PM Modis 5-Nation Visit Gifts: Kesar Mango for UAE Prez

Last Updated: May 21, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

વડાપ્રધાન મોદી પાંચ દેશોની યાત્રા પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે. આ દરમિયાન તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલી ગયા અને રાષ્ટ્રપ્રમુખો સાથે મુલાકાત કરીને અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા.

PM મોદીએ યાત્રાના અંતિમ પડાવમાં ઇટાલીમાં જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરી, જેમાં બંને દેશો પરસ્પર સંબંધોને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર સુધી વધારવા સંમત થયા. આ દરમિયાન પીએમ મોદીએ મોટા નેતાઓને ભારતના એવા ઉપહારો આપ્યા જે ખૂબ જ ખાસ અને ક્લાસિક માનવામાં આવે છે.

જ્યોર્જિયા મેલોનીને આસામની મુગા રેશમી શાલની ભેટ

પીએમએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને આસામની પ્રખ્યાત મુગા સિલ્ક સ્ટોલ ભેટમાં આપ્યો . જણાવી દઈએ કે ગોલ્ડન સિલ્કના નામથી પ્રખ્યાત મુગા સિલ્ક નોર્થ ઈસ્ટ ઈન્ડિયાની બ્રહ્મપુત્રા ખીણનો પરંપરાગત વારસો માનવામાં આવે છે. તે તેના કુદરતી સોનેરી રંગ અને ચમક માટે પણ જાણીતું છે. આ ઉપરાંત મેલોનીને શિરુઈ લિલી સિલ્ક સ્ટોલ પણ ભેટમાં આપ્યો. તેમાં દુર્લભ શિરુઈ લિલી ફૂલની ડિઝાઇન બનેલી છે.

આ ઉપરાંત, વડાપ્રધાન મોદીએ સ્વીડનની રાજકુમારી વિક્ટોરિયાને મધ્યપ્રદેશની “ગોંડી પેઇન્ટિંગ” ભેટમાં આપી. ગોંડી જનજાતિ મધ્યપ્રદેશના સૌથી મોટા સ્વદેશી સમુદાયોમાંની એક છે. એવું માનવામાં આવે છે કે આ ચિત્ર જોવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

વડાપ્રધાન મોદીએ UAE પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનને ગુજરાતના GI ટેગવાળી કેસર કેરી ભેટમાં આપી. આ ઉપરાંત તેમણે UAEના ક્રાઉન પ્રિન્સને પરંપરાગત રાજસ્થાની કલાથી સુશોભિત ઔપચારિક કટાર ભેટ કરી. આ ભારતની યુદ્ધકલાનું પ્રતીક માનવામાં આવે છે.

નોર્વેના શાહી પરિવારને ભારતીય ચિત્રોનો સેટ ભેટમાં આપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્વેના શાહી પરિવાર અને વડાપ્રધાનને ભારતીય ચિત્રોનો એક સેટ ભેટમાં આપ્યો, જે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત દર્શાવે છે અને તેને નોર્વેના પરંપરાગત સામાજિક મૂલ્યો સાથે જોડે છે. વડાપ્રધાન મોદીએ તેમની પાંચ દેશોની યાત્રાના ચોથા ચરણ (18-19 મે) દરમિયાન નોર્વેની મુલાકાત લીધી. આ પ્રસંગે, વડાપ્રધાન મોદીએ જોનાસ ગહર સ્ટોરેને એક પ્રેસ્ડ ઓર્કિડ પેઇન્ટિંગ અને ઓર્કિડ પેપરવેટ ભેટમાં આપ્યા.

સિક્કિમના પ્રેસ્ડ ઓર્કિડ અને ફર્નમાંથી બનેલી આ ઉત્કૃષ્ટ કલાકૃતિઓ પૂર્વી હિમાલયની અસાધારણ જૈવ વિવિધતા દર્શાવે છે. દરેક ફૂલ અને ફર્નને સ્થાનિક કારીગરો દ્વારા હાથથી પસંદ કરીને સંરક્ષિત કરવામાં આવ્યા છે, જે સિક્કિમના હિમાલયની સુંદરતા દર્શાવે છે. ભારતના પ્રથમ જૈવિક રાજ્યથી પ્રેરિત આ કલાકૃતિ સ્થિરતા, સંતુલન અને પરંપરાગત હસ્તકલા પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

નોર્વેના યુવરાજને કલમકારી પેઇન્ટિંગ ભેટમાં આપી

ભારતની પ્રાચીન કલા શૈલીનું પ્રતિનિધિત્વ કરતી ભેટ રજૂ કરતાં વડાપ્રધાન મોદીએ નોર્વેના યુવરાજ હાકોનને સૂર્ય અને ચંદ્રના મોટિફ્સવાળી કલમકારી પેઇન્ટિંગ ભેટમાં આપી.

આઇસલેન્ડના વડાપ્રધાનને તેનઝિંગ નોર્ગેની ખાસ ભેટ

વડાપ્રધાન મોદીએ આઇસલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટ્રુન ફ્રોસ્ટડોટિરને તેનઝિંગ નોર્ગે દ્વારા ઉપયોગમાં લેવાયેલી બરફની કુહાડીની પ્રતિકૃતિ ભેટમાં આપી. આ કુહાડીનો ઉપયોગ સર એડમંડ હિલેરી સાથે 1953માં માઉન્ટ એવરેસ્ટની પ્રથમ સફળ ચઢાઈ દરમિયાન કરવામાં આવ્યો હતો.

ડેનમાર્કના વડાપ્રધાનને બિદરી ચાંદીનો ગુલદસ્તો ભેટમાં આપ્યો

વડાપ્રધાન મોદીએ ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સનને બિદરી ચાંદીનો ગુલદસ્તો ભેટમાં આપ્યો. વડાપ્રધાન મોદીએ ફિનલેન્ડના વડાપ્રધાન પેટરી ઓર્પોને રાજસ્થાનથી કમલ તલાઈ પિછવાઈ ભેટમાં આપી. PM મોદીએ સ્વીડનના વડાપ્રધાનને શાંતિનિકેતનનો હસ્તનિર્મિત બેગ ભેટમાં આપ્યો.

આ યુનિવર્સિટીની સ્થાપના દેબેન્દ્રનાથ ટાગોરે કરી હતી અને તેમના પુત્ર, નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે તેનો વિસ્તાર કર્યો હતો.

————————————-

આ સમાચાર પણ વાંચો

મોદીએ મેલોનીને ‘મેલોડી’ ટોફી ગિફ્ટ કરી:આ વીડિયોના વ્યૂઝ ઈન્સ્ટાગ્રામ પર 100 મિલિયન પાર, ઈટાલીમાં એક જ કારમાં ફર્યા; 15 PHOTOS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફી ભેટ આપી. વડાપ્રધાન મેલોનીએ X પર આ વીડિયો પોસ્ટ કરીને કહ્યું- “વડાપ્રધાન મોદી મારા માટે ભેટમાં ખૂબ જ સરસ ટોફી લાવ્યા છે- મેલોડી. ભેટ માટે આભાર”

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન (10 કરોડ) થી વધુ વખત જોવામાં આવ્યો. જ્યારે X પર પણ તેને 74 લાખથી વધુ વ્યૂ મળ્યા.વડાપ્રધાન મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં મંગળવારે ઇટાલી પહોંચ્યા. ત્યાં વડાપ્રધાન મેલોનીએ તેમનું સ્વાગત કર્યું. બંને રોમના રસ્તાઓ પર એક જ કારમાં ફર્યા અને લગભગ 2000 વર્ષ જૂના ઐતિહાસિક કોલોઝિયમની પણ મુલાકાત લીધી. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment