Reagan Shooting: Washington Hilton History Repeats
વોશિંગ્ટન ડીસી1 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારે રાત્રે વાર્ષિક વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ફાયરિંગ થયું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા.
આ ઘટના વોશિંગ્ટન હિલ્ટન હોટલમાં બની હતી. લગભગ 60 વર્ષ જૂની આ હોટલ તેની એમ (M) આકારની ડિઝાઇન માટે જાણીતી છે. અહીં લાંબા સમયથી વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર યોજાતું આવ્યું છે. આ ઉપરાંત ફર્સ્ટ લેડી લંચ અને નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ જેવા મોટા કાર્યક્રમો પણ અહીં જ યોજાય છે.
આ હોટલનો ઇતિહાસ પણ ઘણો ચર્ચિત રહ્યો છે. લગભગ 45 વર્ષ પહેલાં અહીં તત્કાલીન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ હુમલો જોન ડબલ્યુ હિંકલી જુનિયરે કર્યો હતો. તેણે એક ફિલ્મ અભિનેત્રીને ઈમ્પ્રેસ કરવા માટે રાષ્ટ્રપતિ પર 1.7 સેકન્ડમાં 6 ગોળીઓ ચલાવી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન પર 1981માં ગોળીબાર થયો હતો. ત્યારે તેઓ હિલ્ટન હોટેલ પરિસરમાં હતા.
રીગન પાંચ વખત બચ્યા, છઠ્ઠી ગોળીનો શિકાર બન્યા
ઘટના 30 માર્ચ 1981ની છે. રીગન વોશિંગ્ટન ડીસીમાં એક મીટિંગમાં હાજરી આપ્યા બાદ પોતાની કાર તરફ જઈ રહ્યા હતા. તેમની આસપાસ મીડિયા અને લોકોની ભીડ હતી. અચાનક તે જ ભીડમાંથી નીકળીને એક વ્યક્તિએ રીગન પર ફાયરિંગ શરૂ કરી દીધું.
રીગન પર પાંચ ગોળીઓ ચલાવવામાં આવી, પરંતુ તેઓ દરેક ગોળીથી બચી ગયા. છઠ્ઠી ગોળીથી પણ તેઓ બચી જ ગયા હતા, પરંતુ તે બુલેટપ્રૂફ કારના કાચ સાથે અથડાઈને ફરીથી રીગન તરફ વળી અને તેમની છાતીમાં ઘૂસી ગઈ.
તે અફરાતફરીમાં રીગનને શરૂઆતમાં ખબર પણ ન પડી કે તેમને ગોળી વાગી છે. તેમને ત્યારે અહેસાસ થયો જ્યારે ખાંસતી વખતે તેમના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. તેઓ જમીન પર પડી ગયા. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી હોસ્પિટલ પહોંચતા-પહોંચતા તેમની હાલત એટલી ગંભીર થઈ ગઈ હતી કે તેઓ મૃત્યુથી થોડી જ મિનિટો દૂર હતા.
જોકે, ડોકટરોએ તેમના છાતીમાંથી ગોળી સમયસર કાઢી લીધી, જેનાથી તેમનો જીવ બચી ગયો. આ ઘટનામાં રીગનના 3 સહયોગીઓને પણ ગોળી વાગી, પરંતુ તેઓ પણ રીગનની જેમ બચી ગયા. ગોળી ચલાવનાર જોન હિન્કલીને ઘટનાસ્થળે જ પકડી લેવામાં આવ્યો.

રોનોલ્ડ રીગનને ગોળી વાગી, જેના પછી તેઓ જમીન પર પડી ગયા.
હિન્કલીએ 18 વાર ટેક્સી ડ્રાઈવર ફિલ્મ જોઈ હતી
ગોળી ચલાવનાર હિંકલી લાંબા સમયથી માનસિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો. તેના પર ઓળખ બનાવવાની અને ફેમસ થવાનું ભુત સવાર હતું. 1976માં આવેલી ફિલ્મ ‘ટેક્સી ડ્રાઈવર’ની તેના પર ભારે અસર થઈ હતી. આ ફિલ્મનું એક પાત્ર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને મારવાનો પ્રયાસ કરે છે. તેણે એક ભ્રષ્ટ નેતાને મારવાનો પ્રયાસ કર્યો હોવાથી, તે લોકોની નજરમાં હીરો બની જાય છે. તેણે આ ફિલ્મ 18 વાર જોઈ હતી.
તે ફિલ્મની અભિનેત્રી જૂડી ફોસ્ટરનો દીવાનો થઈ ગયો. તે તેને ઈમ્પ્રેસ કરવા માંગતો હતો. તેણે તેને ઘણા પત્રો લખ્યા, ફોન કર્યા, અહીં સુધી કે તેનો પીછો પણ કર્યો, પરંતુ તેને કોઈ જવાબ મળ્યો નહીં. ધીમે ધીમે તેણે એવું વિચાર્યું કે જો તે કોઈ મોટા નેતા પર હુમલો કરશે, તો તે દુનિયાભરમાં ચર્ચિત થઈ જશે અને જૂડી ફોસ્ટરને ઈમ્પ્રેસ કરી શકશે.
પહેલા રાષ્ટ્રપતિ કાર્ટરને મારવાનો પ્રયાસ કર્યો
હિંકલીએ 1980ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન તત્કાલીન રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનો પીછો કર્યો. આ દરમિયાન તે અલગ-અલગ રેલીઓમાં તેમને મારવાના ઇરાદે જતો રહ્યો. ટેનેસીના એક કાર્યક્રમમાં તે કાર્ટરની બિલકુલ નજીક પહોંચી ગયો હતો, પરંતુ તેના હાથમાં એક બેગ જોઈને પોલીસને શંકા ગઈ.
પોલીસે તપાસ કરી તો તેમાં 3 હેન્ડગન મળી હતી. આ પછી તેને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યો. તેના પર ગેરકાયદેસર હથિયાર રાખવાનો કેસ બન્યો, પરંતુ આ સીધો ‘રાષ્ટ્રપતિ પર હુમલો’ કરવાનો કેસ બની શક્યો નહીં, કારણ કે તેણે ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો ન હતો. તેને થોડા સમય માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યો, પરંતુ બાદમાં જામીન મળી ગયા.

જ્હોન હિંકલીની પોલીસ કસ્ટડીમાં ખેંચાયેલી તસવીર
જેલમાંથી બહાર આવ્યા પછી રીગન પર હુમલો કર્યો
જેલમાંથી બહાર આવ્યા પછી અમેરિકામાં સત્તા બદલાઈ ગઈ હતી. રોનાલ્ડ રીગન રાષ્ટ્રપતિ બની ચૂક્યા હતા. તેણે રીગન પર જ હુમલો કરવાનો નિર્ણય કર્યો. જોકે, તેની ધરપકડ થયા પછી વકીલે કોર્ટમાં પોતાની દલીલોથી એ સાબિત કરી દીધું કે હિંકલી માનસિક રીતે સ્વસ્થ નથી અને રાષ્ટ્રપતિ પર હુમલો કરવા માટે માત્ર હિંકલી જ નહીં, તે ફિલ્મ પણ જવાબદાર છે.
કોર્ટે તેને માનસિક રીતે અસ્થિર માનીને જેલમાં મોકલવાને બદલે માનસિક હોસ્પિટલમાં રાખ્યો. ત્યાં તે લગભગ 30-35 વર્ષ સુધી સારવાર અને દેખરેખ હેઠળ રહ્યો. તેને 2016માં કડક શરતો સાથે હોસ્પિટલમાંથી બહાર રહેવાની મંજૂરી આપવામાં આવી.
આ સમાચાર પણ વાંચો…
હું રેપિસ્ટ નથી, મેં કોઈનો રેપ કર્યો નથી:ફાયરિંગના આરોપીનો પત્ર સામે આવ્યો, LIVE ઈન્ટરવ્યુમાં લેટર વાંચી રહેલી એન્કર પર ભડક્યા ટ્રમ્પ; કહ્યું- બકવાસ વાંચી રહ્યા છો

અમેરિકાના વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં થયેલ ફાયરિંગની ઘટના અંગે હવે અનેક નવી વાતો સામે આવી છે. ફાયરિંગ કરનાર કોલ ટોમસ એલનનો એક પત્ર (Manifesto) સામે આવ્યો છે, જે તેણે ઘટનાના થોડા સમય પહેલા તેના પરિવારને મોકલ્યો હતો. આ પત્રમાં હુમલાનું કારણ અને અન્ય ઘણા મુદ્દાઓની વિગતો આપવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


