Sai Pallavi Biography: Junior Artist to Ramayana’s Sita
1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય સિનેમાની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક ‘રામાયણ’માં માતા સીતાના પાત્રમાં જોવા મળનારી સાઉથ સ્ટાર સાઈ પલ્લવી આજે 34 વર્ષની થઈ ગઈ છે.
સાઈ પલ્લવી ક્યારેક એક ડાન્સ રિયાલિટી શોની સામાન્ય સ્પર્ધક હતી. બાળપણમાં તે કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે પણ જોવા મળી હતી.
આજે પોતાની કલા અને સાદગીથી સાઈ પલ્લવી સાઉથની ટોચની એક્ટ્રેસિસમાં સામેલ છે. તેના જન્મદિવસના ખાસ અવસરે તેના બાળપણ, કારકિર્દી અને શ્રેષ્ઠ કિસ્સાઓ પર એક નજર-
9 મે 1992
સાઈ પલ્લવીનો જન્મ તમિલનાડુના કોઈમ્બતૂરમાં થયો હતો. પિતા એક્સાઈઝ ઓફિસર અને એક ફૂટબોલ પ્લેયર હતા અને માતા રાધા એક ડાન્સર હતાં. બાળપણમાં સાઈ પણ સારી બેડમિન્ટન પ્લેયર હતી.

સાઈ પલ્લવીના બાળપણની પસંદગીની તસવીરો.
બાળ કલાકાર તરીકે ફિલ્મી કરિયરની શરૂઆત
સાઈ માત્ર 13 વર્ષની ઉંમરે ‘કસ્તૂરી માન’ (2005) ફિલ્મમાં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. આ પછી તેણે 2008ની તમિલ ફિલ્મ ‘ધામ ધૂમ’માં જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. તે સમયે તે છઠ્ઠા ધોરણમાં હતી. આ ફિલ્મથી કંગના રનૌતે તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું.

‘ધામ ધૂમ’માં કંગના સાથે સાઈ પલ્લવી.
ડાન્સ રિયાલિટી શોએ ઓળખ અપાવી
માતાના પગલે ચાલતા સાઈને ડાન્સમાં રસ પડવા લાગ્યો. ટીનેજમાં તેણે તમિલ ડાન્સ શો ‘ઉંગાલિલ યાર ઉધુતા પ્રભુ દેવા’ (કોણ બનશે આગલો પ્રભુ દેવા) (2008) માં ભાગ લીધો. શોના એક એપિસોડમાં સાઉથ સ્ટાર સામંથા રૂથપ્રભુ સાઈના ડાન્સથી પ્રભાવિત થઈ હતી અને ખૂબ વખાણ કર્યાં હતાં. ત્યારથી જ સાઈને થોડી-ઘણી ઓળખ મળવા લાગી.

ડાન્સ રિયાલિટી શોમાં સાઈના વખાણ કરતી સામંથા રૂથપ્રભુ.
‘કોણ બનશે આગલો પ્રભુ દેવા’ શોમાં જો સાઈ ફાઇનલિસ્ટ હોત, તો તેને પ્રભુ દેવાને મળવાનો મોકો મળત, પરંતુ સેમી ફિનાલેમાં જ શોમાંથી બહાર થવાને કારણે તે પ્રભુ દેવાને મળી શકી નહીં. પરંતુ સંયોગવશ વર્ષો પછી પ્રભુ દેવાએ તેના માટે ડાન્સ કોરિયોગ્રાફ કર્યો, જેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો.
ફેસબુકનો વીડિયો જોઈ ડિરેક્ટરે ફિલ્મ ઓફર કરી
સાઈ તે ડાન્સ રિયાલિટી શો જીતી શકી નહીં, પરંતુ તેમની પરફોર્મન્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ. તે સમયે સાઉથના ડિરેક્ટર અલ્ફોન્સ પુથ્રેન પોતાની એક ફિલ્મ માટે નવા ચહેરાની શોધમાં હતા કે ત્યારે એક દિવસ ફેસબુક પર તેમની નજર એક ડાન્સ વીડિયો પર પડી.

ડાન્સ રિયાલિટી શોમાંથી સાઈ પલ્લવીની તસવીર.
તે વીડિયો સાઈ પલ્લવીના ડાન્સ ક્લિપનો હતો. ડિરેક્ટરને સાઈ એટલી પસંદ આવી કે તેઓ ગમે તેમ કરીને તેમનો નંબર શોધવા લાગ્યા. એક દિવસ ફોન કરીને અલ્ફોન્સે સાઈ પલ્લવીને ફિલ્મ ઓફર કરી દીધી.
હોબી તરીકે ડાન્સ રિયાલિટી શો કરનારી સાઈને ખરેખર ડોક્ટર બનવું હતું. તેની એક કઝિન ડોક્ટર બનવા માટે જ્યોર્જિયા જઈ રહી હતી, તો સાઈએ પણ ત્યાં જ એડમિશન લઈ લીધું. આ જ કારણ હતું કે તેણે ડિરેક્ટર અલ્ફોન્સની ફિલ્મ પણ ઠુકરાવી દીધી.
જ્યોર્જિયા જવા માટે માતાએ લાલચ આપી
સાઈ રજાઓમાં ભારત આવતી હતી અને બાકીનો સમય જ્યોર્જિયામાં રહેતી હતી. સાઉથ રિપોર્ટ્સ અનુસાર, સાઈ શરૂઆતમાં જ્યોર્જિયા જવા માંગતી ન હતી, ત્યારે તેની માતાએ કહ્યું હતું કે, ‘જો તું નહીં જાય, તો તારી કઝિન ત્યાં ગોરી થઈ જશે, સારી અંગ્રેજી શીખશે અને તેને સારા સંબંધો પણ મળશે.’ આ જ લાલચમાં માતાએ તેને જ્યોર્જિયા જવા માટે રાજી કરી.
જ્યારે સાઈની ફાઇનલ યરની પરીક્ષાઓ નજીક આવી, ત્યારે તે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોઈમ્બતુર આવી ગઈ. આ એ જ સમય હતો, 6 વર્ષ પહેલાં સાઈને ફિલ્મ ઓફર કરનાર ડિરેક્ટર અલ્ફોન્સે ફિલ્મ ‘પ્રેમમ’ શરૂ કરી. આ ફિલ્મમાં તે આસિન (ગજની ફિલ્મની હીરોઈન)ને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ પછી મલયાલમ બોલતી એક્ટ્રેસની ચાહમાં તેણે આસિનનું નામ પડતું મૂક્યું.
ડિરેક્ટરને સ્ટોકર સમજી લીધો, પોલીસ ફરિયાદ નોંધાવવાની હતી
એક દિવસ તેમને ફરીથી સાઈ પલ્લવીનો ખ્યાલ આવ્યો અને તેમણે તરત જ સાઈને ફોન કરીને ‘પ્રેમમ’ ફિલ્મ ઑફર કરી દીધી. અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલી સાઈ આ કૉલથી ડરી ગઈ. તેને લાગ્યું કે, ક્યાંક કોઈ તેને સ્ટોક તો નથી કરી રહ્યુ, જે વારંવાર આવા કૉલ કરે છે. સાઈએ પહેલા તો કૉલ પર ખૂબ વાતો સંભળાવી અને પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માગી. સદભાગ્યે, ડિરેક્ટરે પોતાની સંપૂર્ણ પ્રોફાઇલ અને ફિલ્મ વિશે જણાવીને આ ગેરસમજ દૂર કરી દીધી.
આ પછી સાઈએ મલયાલમ ફિલ્મ ‘પ્રેમમ’માં કામ કરવા માટે સંમતિ આપી દીધી. વર્ષ 2014માં 5 લોકો ખાસ કરીને સાઈનું ઑડિશન લેવા તેમના વતન પહોંચ્યા હતા.
‘પ્રેમમ’માં કામ કરવા માટે 3 શરતો મૂકી
ઑડિશન સફળ રહ્યું અને તેને ફિલ્મ પ્રેમમમાં એક લેક્ચરર મલારનો રોલ મળ્યો. ફિલ્મ સાઇન કરતા પહેલા સાઈએ 3 શરતો મૂકી. પહેલી શરત- શૂટિંગ કૉલેજની રજાઓમાં જ થશે, બીજી શરત- તે ફિલ્મમાં એ જ કપડાં પહેરશે જેમાં તે આરામદાયક હોય અને ત્રીજી શરત- તે ફિલ્મમાં મેકઅપ નહીં કરે.
સામાન્ય રીતે દરેક એક્ટ્રેસ ઇચ્છે છે કે, તે કેમેરા પર નિર્દોષ અને પરફેક્ટ દેખાય, જેના માટે મેકઅપનો ઉપયોગ કરવો ખૂબ જ સામાન્ય બાબત છે. ત્યારે લગભગ 22 વર્ષની સાઈ પલ્લવીના ચહેરા પર ઘણા ખીલ હતા. કોઈ પણ છોકરી તેમને ફિલ્મમાં છુપાવવા માંગતી, પરંતુ સાઈએ મેકઅપ ન કરવાનો નિર્ણય કર્યો.
રજાઓમાં જ સાઈએ આખી ફિલ્મનું શૂટિંગ કર્યું અને પછી જ્યોર્જિયા જઈને પરીક્ષાઓ આપી.

સાઈ પલ્લવીની પહેલી ફિલ્મ ‘પ્રેમમ’ 29 મે 2015ના રોજ રિલીઝ થઈ હતી.
ડેબ્યૂ ફિલ્મ માટે 6 એવોર્ડ મળ્યા
ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે સાઈ જ્યોર્જિયાથી ભારત આવી. જેવી થિયેટરમાં ફિલ્મ પૂરી થઈ, આખું થિયેટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. તેને વિવેચકો અને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. આ ફિલ્મ માટે નવોદિત સાઈ પલ્લવીને 1-2 નહીં પરંતુ પૂરા 6 ડેબ્યૂ એવોર્ડ મળ્યા હતા. તેના મેકઅપ વગર કામ કરવાની પણ ઘણી ચર્ચા રહી.

2021ની ફિલ્મનું ગીત ‘પ્રણવઆલય’ એકમાત્ર ગીત છે, જેમાં સાઈ પલ્લવીએ મેકઅપ કર્યો હતો.
‘100 ગ્રેટેસ્ટ પર્ફોર્મન્સ ઓફ ધ ડીકેડ્સ’માં સામેલ થઈ
ફિલ્મ ‘પ્રેમમ’ના કારણે સાઈ પલ્લવીને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી. 2015માં તે દુલકર સલમાન સાથે મલયાલી ફિલ્મ ‘કાલી’માં જોવા મળી. આ ફિલ્મ પણ હિટ રહી અને સાઈ પલ્લવીને બેસ્ટ એક્ટ્રેસનું નોમિનેશન મળ્યું.
મલયાલી ફિલ્મોમાં સ્ટારડમ હાંસલ કર્યા પછી સાઈએ 2017માં તેલુગુ ફિલ્મ ‘ફિદા’ કરી, જે બ્લોકબસ્ટર રહી. આ ફિલ્મમાં સાઈ પલ્લવીના પર્ફોર્મન્સને ‘100 ગ્રેટેસ્ટ પર્ફોર્મન્સ ઓફ ધ ડીકેડ્સ’માં સામેલ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ માટે તેને પહેલો બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ પણ મળ્યો.

સાઈ પલ્લવીએ ધનુષ, નાની સહિતના સાઉથ સ્ટાર્સ સાથે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.
આગળ તેણે ‘મિડલ ક્લાસ અબ્બાઈ’, ‘મારી 2’, ‘એથિરન’, ‘લવ સ્ટોરી’ જેવી શાનદાર ફિલ્મો કરીને પોતાને સાઉથની ટોપ એક્ટ્રેસિસમાં સામેલ કરી.
સાઈ પલ્લવી સાથે જોડાયેલા આ કિસ્સાઓ અને વિવાદો પણ વાંચો-
લવ લેટર લખવા પર ઘરમાં માર પડી
નેટફ્લિક્સના શો ‘માય વિલેજ’માં સાઈ પલ્લવીએ બાળપણ સાથે જોડાયેલો એક મજેદાર કિસ્સો શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, એકવાર 7મા ધોરણમાં એક છોકરાએ તેના બેગમાં લવ લેટર મૂકી દીધો હતો. સાંજે જ્યારે તેના પિતાએ તેનું બેગ ચેક કર્યું, તો તેમાંથી લેટર નીકળ્યો. આ જોઈને તેને પિતાનો ખૂબ માર પડ્યો હતો.
પ્રભુ દેવાને મળવાનું જૂનું સપનું થયું પૂરું, 10 વર્ષ પછી તેમની સાથે રચ્યો ઇતિહાસ
સાઈ પલ્લવીએ ડાન્સ રિયાલિટી શો ‘કોણ બનશે આગલો પ્રભુ દેવા’ કર્યો હતો. ફાઇનલિસ્ટને પ્રભુ દેવાને મળવાનો મોકો મળતો, પરંતુ સાઈ પલ્લવી સેમી ફિનાલેમાં જ બહાર થઈ ગઈ અને પ્રભુ દેવાને મળી શકી નહીં. જ્યારે તેમને 2018ની ફિલ્મ ‘મારી 2’ મળી ત્યારે તેનું એક ગીત ‘રાઉડી બેબી’ પ્રભુ દેવા અને જાની માસ્ટરે સાથે મળીને કોરિયોગ્રાફ કર્યું હતું.

પ્રભુ દેવાએ કોરિયોગ્રાફ કરેલું ‘રાઉડી બેબી’ બેબી ગીત ખૂબ હિટ રહ્યુ હતું.
સંયોગ એ રહ્યો કે, આ ગીતનું શૂટિંગ એ જ સ્ટુડિયોમાં થયું, જ્યાં તે ડાન્સ રિયાલિટી શોનું શૂટિંગ થતું હતું.
પ્રભુ દેવા દ્વારા કોરિયોગ્રાફ કરાયેલું આ ગીત ખૂબ હિટ રહ્યું. આ ગીત 12 જાન્યુઆરી 2019ના રોજ યુટ્યુબ પર અપલોડ થયું. આ પહેલું સાઉથ ઇન્ડિયન ગીત છે, જેના યુટ્યુબ પર 1.5 બિલિયન વ્યૂઝ છે.

‘મારી 2’ ફિલ્મનું ગીત ‘રાઉડી બેબી’ યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલું સાઉથ ગીત છે.
કિસિંગ સીન હોવાને કારણે વિજય દેવરકોંડાની ફિલ્મ ઠુકરાવી
વર્ષ 2018માં સાઈ પલ્લવીએ વિજય દેવરકોંડા સાથે ડેબ્યુટન્ટ ડિરેક્ટર ભરત કમ્મા સાથે ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મનું પહેલું પોસ્ટર 9 મે 2018ના રોજ વિજયના જન્મદિવસના દિવસે રિલીઝ થયું હતું. જોકે, જ્યારે સાઈને ખબર પડી કે તેને ફિલ્મમાં વિજય સાથે કિસિંગ સીન આપવો પડશે, ત્યારે તેણે આ ફિલ્મ ઠુકરાવી દીધી.
કાશ્મીરી પંડિતો પર આપેલા નિવેદન પર વિવાદ થયો
ફિલ્મ ‘વિરાટ પર્વન’ના પ્રમોશનલ ઇવેન્ટમાં સાઈના એક નિવેદનથી વિવાદ થયો હતો. ખરેખરમાં, તેણે કાશ્મીરી પંડિતોના નરસંહારની સરખામણી ગૌ તસ્કરીના આરોપીઓની લિંચિંગ સાથે કરી છે અને કહ્યું કે, ‘હિંસા કોઈ પણ કરે તે ખોટું છે.’ સાઈએ કહ્યું હતું કે, ‘કાશ્મીર ફાઇલ્સમાં 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોનો નરસંહાર બતાવ્યો છે. જો તમે તેને ધર્મની લડાઈ તરીકે જોઈ રહ્યા છો, તો તે ઘટના વિશે શું કહેશો, જેમાં ગાયોથી ભરેલો ટ્રક લઈને જઈ રહેલા મુસ્લિમ ડ્રાઈવરને માર મારવામાં આવ્યો અને જય શ્રી રામના નારા લગાવવા મજબૂર કરવામાં આવ્યો. મારા મતે આ બંનેમાં કોઈ ફરક નથી.’
વિવાદ થતાં સાઈ પલ્લવીએ માફી માંગી અને કહ્યું કે, તે ફક્ત હિંસાની નિંદા કરી રહી હતી. તેના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનાનું અપમાન કરવાના આરોપો લાગ્યા
2022માં સાઈનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, ‘પાકિસ્તાનના લોકો ભારતીય સેનાને આતંકવાદી માને છે, બરાબર એ જ રીતે જેમ આપણે પાકિસ્તાનીઓને માનીએ છીએ.’ સાઈનો વીડિયો વાયરલ થયા બાદ સાઈ પલ્લવીને બોયકોટ કરવાના આરોપો લાગ્યા.
બિકીનીમાં ફેક ફોટોઝ વાયરલ થવા પર વિવાદ થયો
ગયા વર્ષે સાઈએ અસલી તસવીરો પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું કે, અગાઉ વાયરલ થયેલી તસવીરો મોર્ફ્ડ હતી. આ દરમિયાન એવા અહેવાલ હતા કે, ‘રામાયણ’ના નિર્માતાઓએ વિવાદ ટાળવા માટે સાઈ અને તેના પરિવારને લો-પ્રોફાઇલ રાખવા અપીલ કરી છે.
2 કરોડની ફેરનેસ ક્રીમની જાહેરાત ઠુકરાવી
સાઈ પલ્લવીને એકવાર ફેરનેસ ક્રીમની જાહેરાત મળી હતી. આ એન્ડોર્સમેન્ટ માટે સાઈને 2 કરોડ રૂપિયા ફી ઓફર કરવામાં આવી હતી, પરંતુ એક્ટ્રેસે એમ કહીને ઓફર ઠુકરાવી દીધી કે તે નેચરલ બ્યુટી પસંદ કરે છે.
સાઈ પલ્લવીને મળ્યા 34 એવોર્ડ
સાઈ પલ્લવીએ 11 વર્ષના એક્ટિંગ કરિયરમાં અત્યાર સુધી 54 નોમિનેશનમાંથી 34 એવોર્ડ જીત્યા છે. તેને 7 ફિલ્મફેર એવોર્ડ સાઉથ, 3 સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ મળ્યા છે. તેને તમિલનાડુ સ્ટેટ ફિલ્મ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. એક્ટ્રેસને તમિલનાડુ સરકાર તરફથી કલાઈમામણી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.

‘એક દિન’થી કર્યું બોલિવૂડ ડેબ્યૂ, જલદી ‘રામાયણ’માં જોવા મળશે
સાઈ પલ્લવીએ સાઉથ સિનેમામાં સ્ટારડમ હાંસલ કર્યા પછી આ વર્ષે આવેલી આમિર ખાનના પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘એક દિન’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં તેની સાથે આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન જોવા મળ્યા છે.

સાઈ પલ્લવીએ ‘એક દિન’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.
જલદી જ તે પાન ઇન્ડિયાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’માં જોવા મળશે. ફિલ્મમાં તેણે માતા સીતાનો રોલ ભજવ્યો છે, જ્યારે રણબીર કપૂર ભગવાન રામના રોલમાં છે. ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થશે.

‘રામાયણ’માં સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


