T20 World Cup Final: India vs New Zealand Key Players
સ્પોર્ટ્સ ડેસ્ક4 મિનિટ પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપની ફાઇનલમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ આમને-સામને હશે. આખી ટુર્નામેન્ટમાં મજબૂત દેખાયેલી ભારતીય ટીમ સામે ન્યૂઝીલેન્ડના કેટલાક ખેલાડીઓ મોટો પડકાર બની શકે છે. ભારતને સાઉથ આફ્રિકા સામે હાર મળી હતી, જ્યારે અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝે પણ તેને સખત ટક્કર આપી હતી.
કિવી ઓપનર ફિન એલને ટુર્નામેન્ટમાં સૌથી ઝડપી સદી ફટકારી છે, જ્યારે રચિન રવીન્દ્ર 128 રન બનાવવાની સાથે 11 વિકેટ લઈને શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરી રહ્યો છે. આ ઉપરાંત ટિમ સેફર્ટ પણ 3 અડધી સદી સાથે શાનદાર ફોર્મમાં છે.
ન્યૂઝીલેન્ડના 5 ખેલાડીઓ ભારતની રાહ મુશ્કેલ બનાવી શકે છે
1. ફિન એલન: સેમિફાઇનલમાં સદી ફટકારી
ફિન એલન આ ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેણે 7 ઇનિંગ્સમાં 289 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઈક રેટ 200 થી વધુ છે. એલને આ વર્લ્ડ કપમાં 24 ચોગ્ગા અને 20 છગ્ગા ફટકાર્યા છે.
26 વર્ષીય એલને સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે માત્ર 33 બોલમાં અણનમ સદી ફટકારીને T20 વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી ઝડપી સદી બનાવી. તેણે 10 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. આ પહેલા ગ્રુપ સ્ટેજમાં UAE સામે અણનમ 84 રન બનાવીને ટીમને 10 વિકેટે જીત પણ અપાવી હતી.
એલને આ ટુર્નામેન્ટમાં જ્યારે પણ ફિફ્ટી ફટકારી છે, ત્યારે ન્યૂઝીલેન્ડે મેચ 9 કે 10 વિકેટે જીતી છે. એકંદરે, તે ન્યૂઝીલેન્ડ માટે T20 ઇન્ટરનેશનલમાં 3 સદી ફટકારનાર બીજો બેટર છે, તેની પહેલા કોલિન મુનરો આ પરાક્રમ કરી ચૂક્યો છે. એલનના નામે T20 ઇન્ટરનેશનલમાં 7 અડધી સદીની મદદથી 1654 રન છે.

2. રચિન રવીન્દ્ર- શ્રીલંકા સામે 4 વિકેટ લઈને જીતાડ્યું
રચિન રવીન્દ્ર આ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડનો સૌથી અસરકારક ઓલરાઉન્ડર રહ્યો છે. તેણે 6 ઇનિંગ્સમાં 128 રન બનાવ્યા અને એક ફિફ્ટી ફટકારી છે. બોલિંગમાં તેણે 8 મેચમાં 11 વિકેટ લીધી અને ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.
રચિનનું શ્રેષ્ઠ પ્રદર્શન 4/27 રહ્યું હતું. શ્રીલંકા સામેના કરો યા મરો મેચમાં તેણે 4 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. આ મેચમાં તેણે 32 રન પણ બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે આ મુકાબલો 61 રનથી જીત્યો હતો. મિડલ ઓવર્સમાં રચિનની સ્પિન બોલિંગ ભારત માટે મોટો ખતરો બની શકે છે. સેમિફાઇનલમાં તેણે 2 વિકેટ લીધી હતી, તે પહેલા ઇંગ્લેન્ડ સામે 3 વિકેટ ઝડપી હતી.
રચિને ન્યૂઝીલેન્ડ માટે 51 T20 મેચ રમી છે, જેમાં 758 રન બનાવવા ઉપરાંત 25 વિકેટ પણ લીધી છે. તેના નામે 5 અડધી સદી પણ છે. 26 વર્ષીય રચિને 2023 વન-ડે વર્લ્ડ કપમાં 3 સદી સાથે 578 રન બનાવ્યા હતા. ત્યારે ICCએ તેને ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો હતો.

3. મિચેલ સેન્ટનર- સૌથી ઓછી ઇકોનોમીથી રન આપ્યા
ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનર ટીમમાં સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક છે. તેને ડિસેમ્બર 2024માં ન્યૂઝીલેન્ડની વન-ડે અને T20 ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં તેણે 7 મેચમાં 77 રન બનાવ્યા છે અને જરૂર પડ્યે ફિનિશિંગ રોલ પણ ભજવ્યો છે. શ્રીલંકા સામે સેન્ટનરે 84 રનમાં 6 વિકેટ પડ્યા પછી કોલ મેકોન્ચી સાથે મળીને 47 બોલમાં 84 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં તેણે 26 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી.
બોલિંગમાં સેન્ટનર કરકસરયુક્ત સાબિત થયો છે. તેણે 6 ઇનિંગ્સમાં 24 ઓવર નાખીને માત્ર 6.33ની ઇકોનોમીથી રન આપ્યા. તેના નામે 2 વિકેટ પણ છે. સાઉથ આફ્રિકા સામે સેમિફાઇનલમાં તેણે મેકોન્ચીને પાવરપ્લેમાં બોલિંગ કરાવીને બંને લેફ્ટ હેન્ડર્સ ક્વિન્ટન ડી કોક અને રાયન રિકેલ્ટનને એક જ ઓવરમાં આઉટ કરાવ્યા હતા.
T20 ઇન્ટરનેશનલમાં સેન્ટનરે 134 મેચ રમીને 1030 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 ફિફ્ટી ફટકારી. સેન્ટનર કીવી ટીમ માટે T20માં ત્રીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 137 વિકેટ પોતાના નામે કરી. સેન્ટનર T20 ઇન્ટરનેશનલમાં 1000+ રન અને 100 + વિકેટ લેનાર પ્રથમ કિવી ખેલાડી પણ છે.

4. મેટ હેનરી- ટીમનો સૌથી સફળ ઝડપી બોલર
મેટ હેનરી આ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડના સૌથી સફળ ઝડપી બોલર રહ્યો છે. તેણે 8 મેચમાં 9 વિકેટ લીધી અને ઘણી વખત નવા બોલથી ટીમને શરૂઆતી સફળતા અપાવી. હેનરીએ શ્રીલંકા સામે પહેલા જ બોલ પર ઇનફોર્મ બેટર પથુમ નિસાંકાને બોલ્ડ કર્યો હતો.
હેનરીની ખાસિયત તેની સ્વિંગ અને સચોટ લાઇન-લેન્થ છે. ભારતના ટોપ ઓર્ડર સામે તે ખતરનાક સાબિત થઈ શકે છે. તેની ઇકોનોમી 7.59 રહી છે, જેનાથી ખબર પડે છે કે તે રન પણ વધારે આપતો નથી. તે શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને UAE સામે 2-2 વિકેટ ઝડપી ચૂક્યો છે.
હેનરીના નામે T20 ઇન્ટરનેશનલની 42 મેચમાં 52 વિકેટ છે. તેણે ગયા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીના લીગ મેચમાં ભારત સામે 42 રન આપીને 5 વિકેટ લીધી હતી.

5. ટિમ સેફર્ટ- ટુર્નામેન્ટમાં 274 રન, 3 ફિફ્ટી ફટકારી
ટિમ સેફર્ટ ન્યૂઝીલેન્ડ માટે આ ટુર્નામેન્ટમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે આ વર્લ્ડ કપની 7 ઇનિંગ્સમાં 274 રન બનાવ્યા અને 3 અડધી સદી પણ ફટકારી. તેનો સ્ટ્રાઇક રેટ 161થી વધુ રહ્યો છે.
સેફર્ટે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ઝડપી શરૂઆત અપાવી હતી. તેણે ફિન એલન સાથે મળીને સાઉથ આફ્રિકા સામે 117 રનની ઓપનિંગ ભાગીદારી કરી. સેફર્ટે આ મેચમાં 58 રન બનાવ્યા હતા. સેફર્ટે આ ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકા ઉપરાંત UAE અને અફઘાનિસ્તાન સામે પણ ફિફ્ટી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 89 રન છે.
સાઇફર્ટે 2025માં વેસ્ટ ઇન્ડીઝની કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ લુસિયા કિંગ્સ માટે 40 બોલમાં સદી ફટકારીને આન્દ્રે રસેલના સૌથી ઝડપી સદીના રેકોર્ડની બરાબરી કરી હતી.
તે T20માં ન્યૂઝીલેન્ડ માટે ચોથા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. સેફર્ટના નામે 89 મેચમાં 2227 રન છે. આ દરમિયાન તેણે 16 ફિફ્ટી ફટકારી અને અણનમ 97 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. સેફર્ટ ઉપરાંત ભારતે ગ્લેન ફિલિપ્સ અને ડેરીલ મિચેલથી પણ સાવચેત રહેવું પડશે.

——————-
IND vs NZ ફાઈનલ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
સૂર્યાની કેપ્ટનશીપમાં ઈન્ડિયા ચેમ્પિયન બનશે?: તેની આગેવાનીમાં ભારત એકપણ સિરીઝ હાર્યું નથી, જો વર્લ્ડ કપ જીત્યા તો રોહિતને પાછળ છોડી દેશે

ટીમ ઈન્ડિયા આજે ન્યૂઝીલેન્ડ સામે ટાઇટલ જીતવા અમદાવાદમાં ઉતરશે. ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. ટીમ ભલે એક મેચ હારી હતી, પણ બાકીને મેચમાં શાનદાર રમી છે.
આ ઈન્ડિયન ટીમમાં બધાના વખાણ થઈ રહ્યા છે. કોઈ સંજુના કરે છે, તો કોઈ હાર્દિકના, તો કોઈ ગૌતમ ગંભીરના કોચિંગના પણ વખાણ કરે છે. પણ આ આખી ટીમને જેણે લીડ કરી છે, તેના વિશે ઘણી ઓછી ચર્ચા કરે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ઈન્ડિયન T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની; જેણે માત્ર આ ટુર્નામેન્ટમાં જ નહીં, પણ છેલ્લા બે વર્ષથી આ ટીમને જબરદસ્ત લીડ કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


