Trump Threatens Tariffs Over Greenland; NATO Talks Mentioned
વોશિંગ્ટન ડીસી2 કલાક પેહલા
- કૉપી લિંક
ટ્રમ્પે વારંવાર ગ્રીનલેન્ડના કબજા માટે વાત કરી છે, અને તેની પાછળ રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ ગણાવ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર અમેરિકાના કબજાનો વિરોધ કરતા આઠ યુરોપિયન દેશો પર 10% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.
ટ્રમ્પે શનિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ અને ફિનલેન્ડ આ ટેરિફને આધીન રહેશે.
તેમણે ચેતવણી આપી હતી કે જો ગ્રીનલેન્ડ અંગે અમેરિકા સાથે કોઈ કરાર નહીં થાય, તો આ ટેરિફ 1 જૂનથી વધારીને 25% કરવામાં આવશે.
અગાઉ, ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં એક બેઠક દરમિયાન આ દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી હતી.

ટ્રમ્પે ગ્રીનલેન્ડને ગોલ્ડન ડોમ નામના મોટા સંરક્ષણ પ્રોજેક્ટ માટે પણ મહત્ત્વપૂર્ણ ગણાવ્યું છે. ગોલ્ડન ડોમ અમેરિકાનો મિસાઈલ સંરક્ષણ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ઇઝરાયલના આયર્ન ડોમથી પ્રેરિત છે. ગોલ્ડન ડોમનો હેતુ ચીન, રશિયા જેવા દેશોમાંથી આવતાં જોખમથી અમેરિકાને બચાવવાનો છે.
ગોલ્ડન ડોમ કેવી રીતે કામ કરશે?
આ પ્રોજેક્ટ હેઠળ અમેરિકા પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મોટી સંખ્યામાં ઇન્ટરસેપ્ટર સેટેલાઈટ તહેનાત કરશે. જ્યારે પણ અમેરિકા તરફ મિસાઇલ છોડવામાં આવશે ત્યારે આ સેટેલાઈટ તેમની ભ્રમણકક્ષા છોડીને મિસાઇલો સાથે અથડાઈ જશે. આ એક બહુ-સ્તરીય સિસ્ટમ હશે. જો ઇન્ટરસેપ્ટર સેટેલાઈટ મિસાઇલને અટકાવવામાં નિષ્ફળ જાય તો અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવશે.
અમેરિકાની સંસદની ટીમ ગ્રીનલેન્ડ પહોંચી
ટ્રમ્પના નિવેદન સમયે અમેરિકન સંસદનું એક દ્વિપક્ષીય પ્રતિનિધિમંડળ ગ્રીનલેન્ડના પ્રવાસે હતું. આ 11 સભ્યની ટીમનું નેતૃત્વ ડેમોક્રેટ સેનેટર ક્રિસ કૂન્સ કરી રહ્યા છે. એમાં રિપબ્લિકન સેનેટર થૉમ ટિલિસ અને લિસા મર્કોવ્સ્કી પણ સામેલ છે.
પ્રતિનિધિમંડળે ગ્રીનલેન્ડના સાંસદો ઉપરાંત ડેનમાર્કનાં વડાંપ્રધાન મેટે ફ્રેડરિક્સન અને ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નિલસન સાથે મુલાકાત કરી.
ટીમનો હેતુ સ્થાનિક લોકોની વાત સાંભળવાનો અને વોશિંગ્ટનમાં તણાવ ઓછો કરવાનો છે. સેનેટર કૂન્સે કહ્યું, ‘અમે ગ્રીનલેન્ડના લોકોની વાત સાંભળી રહ્યા છીએ અને તેમનો અભિપ્રાય લઈને પાછા જઈશું, જેથી સ્થિતિ શાંત થાય.’
ગ્રીનલેન્ડના સાંસદ આજા ચેમનિત્ઝે કહ્યું, ‘અમને મિત્રો અને સહયોગીઓની જરૂર છે. અમેરિકા 2019થી દબાણ બનાવી રહ્યું છે. આ એક લાંબી દોડ છે, જે હજુ પૂરી થઈ નથી. જેટલો વધુ ટેકો મળે એટલું સારું.” તેમણે આશા વ્યક્ત કરી કે આ મુલાકાત ફાયદાકારક સાબિત થશે.

અમેરિકન કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ 16 જાન્યુઆરીએ ડેનમાર્ક કોપનહેગન સ્થિત સંસદમાં પહોંચ્યું. ડાબેથી જમણે (આગળ): સેનેટર ડિક ડર્બિન, મેડલિન ડીન, સેનેટર ક્રિસ કૂન્સ અને આજા ચેમ્નિટ્ઝ, સેનેટર થૉમ ટિલિસ, સેનેટર પીટર વેલ્ચ અને સેનેટર લિસા મુર્કોવ્સ્કી.
ગ્રીનલેન્ડને લઈને બે જૂથમાં વહેંચાયેલા અમેરિકન સાંસદો
અમેરિકી સેનેટર મુર્કોવ્સ્કીએ ગ્રીનલેન્ડને બળજબરીથી લેવા સામે સંસદમાં એક બિલ રજૂ કર્યું છે. જ્યારે એક રિપબ્લિકન સાંસદે ગ્રીનલેન્ડને જોડવાના પક્ષમાં બીજું બિલ રજૂ કર્યું.
ટ્રમ્પના વિશેષ દૂત જેફ લેન્ડ્રીએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે અમેરિકાએ ગ્રીનલેન્ડના નેતાઓ સાથે સીધી વાત કરવી જોઈએ, ડેનમાર્ક સાથે નહીં. તેમણે કહ્યું, ‘ટ્રમ્પ ગંભીર છે. ટૂંક સમયમાં સોદો થઈ જશે.’
બુધવારે ડેનમાર્કના વિદેશમંત્રી લાર્સ લોક્કે રાસમુસેન અને ગ્રીનલેન્ડના વિદેશમંત્રી વિવિયન મોટ્ઝફેલ્ટે વ્હાઇટ હાઉસમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી.
એક ડેનિશ અધિકારીએ BBCને કહ્યું હતું કે સૈન્ય કાર્યવાહીની કોઈ વાત થઈ નથી, પરંતુ ટ્રમ્પનાં નિવેદનોને ગંભીરતાથી લેવામાં આવી રહ્યાં છે.

અમેરિકાના સાંસદ કોંગ્રેસમેન રેન્ડી ફાઈને 12 જાન્યુઆરીએ ‘ગ્રીનલેન્ડ એનેક્સેશન એન્ડ સ્ટેટહૂડ બિલ’ રજૂ કર્યું, જે હજુ હાઉસ અને સેનેટ બંનેમાં પાસ થવાનું બાકી છે.
ગ્રીનલેન્ડ પર ચર્ચા માટે વર્કિંગ ગ્રુપ બનશે
વ્હાઇટ હાઉસમાં બુધવારે થયેલી વાતચીતમાં ડેનમાર્ક, ગ્રીનલેન્ડ અને અમેરિકા વચ્ચે કોઈ મોટો કરાર થયો નહીં, જોકે બેઠક પછી ત્રણેય પક્ષોએ ગ્રીનલેન્ડ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક સંયુક્ત વર્કિંગ ગ્રુપ બનાવવાની સંમતિ દર્શાવી, જેની બેઠકો આવનારાં અઠવાડિયાંમાં થશે.
રાસમુસેને સ્પષ્ટ કહ્યું હતું કે અમેરિકા સાથે અસંમતિ યથાવત્ છે. અમારું વલણ ઘણું અલગ છે. તેમણે ટ્રમ્પના ગ્રીનલેન્ડને ખરીદવાના કે કબજે કરવાના વિચારને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યો. અમે ખૂબ સ્પષ્ટપણે કહ્યું છે કે આ ડેનમાર્કના હિતમાં નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે બંને દેશ આર્કટિકમાં સુરક્ષા સહયોગ વધારવા માટે તૈયાર છે, જેમાં ગ્રીનલેન્ડમાં વધુ અમેરિકી સૈન્ય મથકો બનાવવાની સંભાવના પણ સામેલ છે.
યુરોપિયન દેશો ડેનમાર્કના સમર્થનમાં આવ્યા, સૈનિકો મોકલી રહ્યા છે
યુરોપિયન દેશોએ ડેનમાર્કના સમર્થનમાં પગલાં ભર્યાં છે. ફ્રાન્સ, જર્મની, સ્વીડન, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ અને બ્રિટને ગ્રીનલેન્ડમાં એક નિરીક્ષણ મિશન હેઠળ મર્યાદિત સંખ્યામાં સૈનિકો મોકલી રહ્યા છે.
જર્મન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તે પ્રદેશમાં સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ડેનમાર્કને ટેકો આપવા માટે 13 લોકોની એક ટીમ મોકલશે.
એ જ સમયે સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને બુધવારે જણાવ્યું હતું કે ડેનમાર્કની વિનંતી પર સ્વીડિશ સશસ્ત્ર દળોના ઘણા અધિકારીઓને લશ્કરી કવાયતમાં ભાગ લેવા માટે ગ્રીનલેન્ડ મોકલવામાં આવ્યા છે.

ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવા પાછળનું કારણ આ વિસ્તારમાં રશિયન અને ચીની જહાજોની હાજરીને જણાવ્યું હતું.
ટ્રમ્પે કહ્યું- સંધિ કે લીઝ નહીં, ગ્રીનલેન્ડ પર સંપૂર્ણ નિયંત્રણ જોઈએ છે
ટ્રમ્પનું કહેવું છે કે રશિયન અને ચીની જહાજોની હાજરીને કારણે ગ્રીનલેન્ડ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. તેમણે ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે માત્ર સંધિ કે લીઝથી કામ નહીં ચાલે, પરંતુ સંપૂર્ણ નિયંત્રણ જોઈએ. આનાથી વધુ સુવિધાઓ મળશે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે મંગળવારે જણાવ્યું હતું કે તેમની ટીમ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાના ઘણા રસ્તાઓ શોધી રહી છે, જેમાં સૈન્ય બળનો ઉપયોગ પણ સામેલ છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ ચેતવણી આપી છે કે જો ગ્રીનલેન્ડની સુરક્ષાને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો અમેરિકાને ‘કંઈક કરવું જ પડશે’.

- ખાસ ભૌગોલિક સ્થિતિ: ગ્રીનલેન્ડની ભૌગોલિક સ્થિતિ ખૂબ જ ખાસ છે. એ ઉત્તર અમેરિકા અને યુરોપની વચ્ચે, એટલે કે એટલાન્ટિક મહાસાગરની બરાબર મધ્યમાં આવેલું છે. આ જ કારણથી એને મિડ-એટલાન્ટિક ક્ષેત્રમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે.
- વ્યૂહાત્મક સૈન્ય મહત્ત્વ: ગ્રીનલેન્ડ યુરોપ અને રશિયા વચ્ચે સૈન્ય અને મિસાઈલ દેખરેખ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અહીં અમેરિકાનો થુલે એર બેઝ પહેલેથી જ છે, જે મિસાઈલ ચેતવણી અને રશિયન/ચીની હિલચાલ પર નજર રાખવા માટે જરૂરી છે.
- ચીન અને રશિયા પર નજર: આર્કટિક ક્ષેત્રમાં રશિયા અને ચીનની ગતિવિધિઓ વધી રહી છે. ગ્રીનલેન્ડ પર પ્રભાવ હોવાથી અમેરિકા આ વિસ્તારમાં પોતાની ભૂ-રાજકીય પકડ મજબૂત રાખવા માગે છે.
- કુદરતી સંસાધનો: ગ્રીનલેન્ડમાં દુર્લભ ખનિજો, તેલ, ગેસ અને રેર અર્થ એલિમેન્ટ્સના મોટા ભંડાર હોવાનું મનાય છે, જેનું ભવિષ્યમાં આર્થિક અને તકનીકી મહત્ત્વ ખૂબ વધારે છે. ચીન તેમનું 70-90% ઉત્પાદન નિયંત્રિત કરે છે, તેથી અમેરિકા પોતાની નિર્ભરતા ઓછી કરવા માગે છે.
- નવા દરિયાઈ વ્યાપારી માર્ગો: ગ્લોબલ વોર્મિંગને કારણે આર્કટિકનો બરફ પીગળી રહ્યો છે, જેનાથી નવા શિપિંગ રૂટ્સ ખૂલી રહ્યા છે. ગ્રીનલેન્ડનું નિયંત્રણ અમેરિકાને આ રૂટ્સ પર પ્રભુત્વ અને આર્કટિક ક્ષેત્રમાં રશિયા-ચીનની પ્રગતિ રોકવામાં મદદ કરશે.
- અમેરિકી સુરક્ષા નીતિ: અમેરિકા ગ્રીનલેન્ડને પોતાની રાષ્ટ્રીય સુરક્ષાની “ફ્રન્ટ લાઇન” માને છે. ત્યાં પ્રભાવ વધારીને તે ભવિષ્યનાં સંભવિત જોખમોને પહેલાંથી જ રોકવા માગે છે.
————————
આ સમાચાર પણ વાંચો…
ટ્રમ્પ બોલ્યા- ગોલ્ડન ડોમ પ્રોજેક્ટ માટે ગ્રીનલેન્ડની જરૂર: કંઈક ને કંઈક ઉકેલ શોધીશું; ગ્રીનલેન્ડના વિદેશમંત્રી બોલ્યા- અમેરિકાના ગુલામ બનવું નથી

ટ્રમ્પ બોલ્યા- ગોલ્ડન ડોમ પ્રોજેક્ટ માટે ગ્રીનલેન્ડની જરૂર: કંઈક ને કંઈક ઉકેલ શોધીશું; ગ્રીનલેન્ડના વિદેશ મંત્રી બોલ્યા- અમેરિકાના ગુલામ બનવું નથી. ટ્રમ્પે ગ્રીનલેન્ડને ગોલ્ડન ડોમ નામના મોટા સંરક્ષણ પ્રોજેક્ટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

