Veraval નગરપાલિકામાં 44 બેઠકો માટે ભાજપમાં 300થી વધુ દાવેદારો, મોડી રાત સુધી ચાલી સેન્સ પ્રક્રિયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશિંગા ફૂંકાતા જ ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વેરાવળ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોનો અભૂતપૂર્વ રાફડો ફાટ્યો છે. પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં આજે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં દાવેદારોની ભારે ભીડને જોતા ભાજપના આગેવાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા
44 બેઠકો સામે 300 નો આંકડો
વેરાવળ નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. બપોરે 2 વાગ્યે શરૂ થયેલી આ પ્રક્રિયામાં સાંજ સુધીમાં 300થી વધુ કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જિલ્લા અને તાલુકા પંચાયતની સેન્સ પૂર્ણ થયા બાદ હવે નગરપાલિકા માટે ટિકિટ માંગનારાઓની લાંબી કતારો જોવા મળી હતી. દરેક વોર્ડમાં સરેરાશ 6 થી 7 મજબૂત દાવેદારો મેદાનમાં હોવાથી પસંદગીકારો માટે પણ પેચ ફસાયો છે.
મોડી રાત સુધી ચાલી કાર્યવાહી
નિર્ધારિત કાર્યક્રમ મુજબ સેન્સ પ્રક્રિયા સાંજે 6 વાગ્યે પૂર્ણ થવાની હતી, પરંતુ દાવેદારોની સંખ્યા એટલી મોટી હતી કે સમય મર્યાદા વધારવી પડી હતી. મોડી રાત સુધી નિરીક્ષકોએ એક-એક કાર્યકરની વાત સાંભળી હતી. ભાજપમાં ટિકિટ મેળવવા માટે જોવા મળેલી આ જોરદાર સ્પર્ધા પક્ષની આંતરિક ગતિશીલતા અને સત્તા મેળવવાની ઉત્કંઠા દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે ‘નો રિપીટ’ થીયરી અને નવા ક્રાઇટેરિયા વચ્ચે આ ૩૦૦માંથી કયા ૪૪ નસીબદાર ઉમેદવારો પર પક્ષ કળશ ઢોળશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

