World Health Day 2026 Know 3 important tips from doctors to stay healthy | Gujarat News

Last Updated: April 7, 2026By

વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે સ્વાસ્થ્ય એ સૌથી મોટી સંપત્તિ છે. આજે દુનિયા ચાંદ પર પહોચવાની નજીક છે. તબીબ ક્ષેત્રે ટેકનોલોજી અને અદ્યતન સુવિધા છતાં લોકોમાં ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. જેનું કારણ મુખ્યત્વે તેમની ખાનપાનની આદત અને અનિયમિત જીવનશૈલી છે. આપણા વડીલો હંમેશા કહેતા પહેલુ સુખ તે જાતે નર્યા, અર્થાત્ ‘નિરોગી વ્યક્તિ પહેલા સુખી’. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા ‘યોગ પદ્ધતિ’ એક રામબાણ ઉપાય છે.

સ્વસ્થ રહેવાના ત્રણ સ્ટેપ્સ, ડોક્ટર

ડોક્ટરના મતે, આજકાલ મોટાભાગના લોકો કલાકો સુધી બેસીને કામ કરે છે, જેના કારણે સુસ્તી અને વજન વધે છે. સ્વસ્થ રહેવા ફક્ત ત્રણ બાબત ધ્યાનમાં રાખશો તો પણ બીમારીને દૂર રાખી શકશો. સૌ પ્રથમ યોગ અથવા 30 મિનિટ ચાલવા જેવી હળવી કસરત કરી તમે ફિટનેસ જાળવી શકો છો. કસરતથી શારીરિક સ્વસ્થતા અને યોગથી હૃદય અને મનને સ્વસ્થ રાખી શકો છો. ધ્યાન, યોગ, ઊંડા શ્વાસ લેવાની તકનીકો અને તમને ગમતી પ્રવૃત્તિઓમાં જોડાવાથી તણાવ નોંધપાત્ર રીતે ઓછો થઈ શકે છે. 

પૌષ્ટીક ખોરાક રાખશે શરીર સ્વસ્થ

બીજી બાબત ખોરાક છે. સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ આહાર ખૂબ જ જરૂરી છે. હલવો, મોહનથાળ જેવી ખાંડવાળી મીઠાઈ, જંકફૂડ, તળેલા નાસ્તા અને બર્ગર, પિઝ્ઝા જેવા મેંદાની વસ્તુથી દૂર રહો. સોફ્ટ ડ્રિંક્સના બદલે શરીરને ડીટોક્સ કરતા પીણાંને દિનચર્યામાં સ્થાન આપો. રોજિંદા આહારમાં લીલા શાકભાજી, ફળો, આખા અનાજ અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવાથી આપણા શરીર મજબૂત બને છે અને આપણી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે. 

પૂરતી ઊંઘ પણ સ્વસ્થ રહેવા માટે છે જરૂરી

સ્વસ્થ રહેવા માટે ખોરાક અને કસરતની જેમ 7-8 કલાકની સારી ઊંઘ પણ જરૂરી છે. ઘણા લોકો કામ કે મોબાઈલને કારણે પૂરતી ઊંઘ લઈ શકતા નથી, જેના કારણે થાક, તણાવ અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. સારી ઊંઘ શરીરને રિચાર્જ કરે છે અને માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. સંપૂર્ણ ઊંઘ સાથે, શરીરની સમારકામ પ્રક્રિયા પણ યોગ્ય રીતે થાય છે.

જાણો કેમ ઉજવાય છે વિશ્વ આરોગ્ય દિવસ

7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. જેથી લોકો વધુ સારી જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત થાય. આ દિવસ સરકારો, આરોગ્ય સંસ્થાઓ અને જનતાને રોગ નિવારણ, માનસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જેવા સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવા માટે એકસાથે લાવે છે. તેની શરૂઆત 1950 માં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા કરવામાં આવી હતી. WHO ની સ્થાપના 7 એપ્રિલ, 1948 ના રોજ થઈ હતી. ત્યારથી, આ દિવસ દર વર્ષે વૈશ્વિક સ્તરે આરોગ્ય સંબંધિત વિવિધ મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો : Lungsમાં પાણી ભરાઇ જવુ એ કેટલું ખતરનાક, જાણો શું કહે છે નિષ્ણાતો?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )