ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:અસ્થિરતા વચ્ચે તેજીનું વલણ, રોકાણકારો માટે સકારાત્મક સંકેત…!!

Last Updated: June 28, 2026By

ગયા સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા વચ્ચે એકંદરે તેજી તરફી વલણ જોવા મળ્યું. સપ્તાહની શરૂઆત વૈશ્વિક અનિશ્ચિતતા, બોન્ડ યીલ્ડમાં વધઘટ અને ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતાના કારણે દબાણ સાથે થઈ હતી, પરંતુ બાદમાં સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની ખરીદી, બેંકિંગ શેરોમાં મજબૂતી અને પસંદગીયુક્ત ક્ષેત્રોમાં વધેલા નાણાં પ્રવાહના કારણે બજારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. દિવસ દરમિયાન અનેક વખત તેજી અને મંદીના ઝડપી ઝોક જોવા મળ્યા, જેના કારણે વેપારીઓમાં સાવચેતીનો માહોલ રહ્યો. તેમ છતાં સપ્તાહના અંતે મુખ્ય સૂચકાંકો મજબૂત સ્થિતિમાં બંધ રહ્યા. સમગ્ર સપ્તાહનું ચિત્ર “અસ્થિર પરંતુ તેજી તરફી બજાર” તરીકે સામે આવ્યું. વૈશ્વિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના વધુ પડતાં વેલ્યુએશનની ગેમ ઓવર થવા લાગી હોવાની એનાલિસ્ટોએ લાલબત્તી બતાવતાં અને એઆઈ તેમ જ સેમીકન્ડકટર્સ ક્ષેત્રે જાયન્ટ દક્ષિણ કોરિયાની સેમસંગ, એઆઈ હાઈનિક્સ પાછળ દક્ષિણ કોરિયાના બજારોમાં કડાકો બોલાઈ જતાં અને વિશ્વ વિખ્યાત ઈન્વેસ્ટમેન્ટ ગુરૂ માર્ક ફેબર ભારતીય બજારોમાં 20 ટકા સુધી કડાકાની આગાહી કરતાં ભારતીય શેર બજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. આઈટી-સોફ્ટવેર સર્વસિઝ, ટેકનોલોજી શેરો સાથે ફંડોએ કેપિટલ ગુડઝ, પાવર શેરો તેમ જ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં હેમરિંગ કરતાં શેરો પાણી પાણી થવા લાગ્યા હતા. ચોમાસું આ વખતે નબળું જવાની આગાહી અને વિલંબને લઈ ચિંતા વધતાં ફંડોએ સાવચેતીમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. આ સાથે પ્રાઈમરી માર્કેટમાં એનએસઈ અને રિલાયન્સ જિયો પ્લેટફોર્મ મેગા આઈપીઓ લઈને આવી રહ્યા હોઈ મોટી મૂડી સેકન્ડરી માર્કેટમાંથી ખેંચાઈ જવાના સંકેતોએ ફંડોનું સેલિંગ પ્રેશર વધ્યું હતું. સપ્તાહના અંતે ઈરાન-અમેરિકા વચ્ચે મામલો શાંત બની રહ્યો હોઈ અને હોર્મુઝ માર્ગે ફરી ક્રુડ ઓઈલ સહિતના જહાજોનું વહન ચાલુ થઈ જતાં અને ઈરાનના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાન મુલાકાતના આમંત્રણ સાથે વિલંબ બાદ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના પોઝિટીવ પરિબળો તેમ જ એઆઈના વેલ્યુએશન મામલે ચિંતાએ ફરી આઈટી કંપનીઓના ઉદ્યોગ માટે મજબૂત આઉટલૂકને લઈ ફંડો ફરી શેરોમાં તેજીમાં આવ્યા હતા. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે ઈન્ફોસીસના નંદન નિલકેનીના પોઝિટીવ નિવેદન અને વૈશ્વિક મોરચે નાસ્દાકમાં કડાકા બાદ રિકવરી સાથે ઘર આંગણે બેંકિંગ ક્ષેત્રે વ્યાજ દર વધારાની ટૂંક સમયમાં શક્યતાનો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર દ્વારા ઈન્કારને લઈ ચિંતા હળવી થઈ ધિરાણ વૃદ્વિને વેગ મળવાના સંકેતોએ ફંડો આઈટી સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ખાસ ખાનગી બેંક શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા હતા. ખાનગી બેંક, આઈટી શેરો સાથે ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. વૈશ્વિક પરિબળો :- વૈશ્વિક બજારોમાં સમગ્ર સપ્તાહ દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ, ડોલર સૂચકાંકમાં મજબૂતી અને ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતાએ રોકાણકારોમાં સાવચેતી વધારી.એશિયન અને યુરોપિયન બજારોમાં મર્યાદિત તેજી જોવા મળી, પરંતુ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અંગેની ચિંતા યથાવત રહી. મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક વેપાર સંબંધિત અનિશ્ચિતતા બજારના સેન્ટિમેન્ટને અસર કરતી રહી. તેજી તરફી કારણો :- સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી બજાર માટે મુખ્ય સકારાત્મક પરિબળ રહી. બેંકિંગ અને નાણાકીય શેરોમાં મજબૂત ખરીદી, સ્થાનિક લિક્વિડિટીની ઉપલબ્ધતા અને મહત્વપૂર્ણ આધાર સ્તર ઉપર બજાર ટકવાથી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો. પસંદગીયુક્ત મોટી મૂડીવાળા શેરોમાં મૂલ્ય આધારિત ખરીદી અને રક્ષણાત્મક ક્ષેત્રોમાં વધતી માંગે પણ બજારને ટેકો આપ્યો. મંદી તરફી કારણો :- વૈશ્વિક અસ્થિરતા, અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ, ડોલર સૂચકાંકમાં મજબૂતી અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ બજાર માટે મુખ્ય નકારાત્મક પરિબળ રહ્યા.માહિતી પ્રૌદ્યોગિકી અને ધાતુ શેરોમાં દબાણ, ઉપરના સ્તરે નફાવસૂલી અને વિદેશી રોકાણકારોની મર્યાદિત વેચવાલીએ બજારમાં અસ્થિરતા વધારી. એફઆઈઆઈ / ડીઆઈઆઈ પ્રવૃત્તિ :- સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત ખરીદી જોવા મળી, જે બજાર માટે સૌથી મોટો આધાર બની. વિદેશી સંસ્થાગત રોકાણકારોનું વલણ સમગ્ર સપ્તાહ દરમિયાન મિશ્ર રહ્યું. સ્થાનિક નાણાં પ્રવાહે વિદેશી વેચવાલીની અસરને ઘણી હદ સુધી સંતુલિત કરી. કોમોડિટી મૂવમેન્ટ :- કોમોડિટી બજારમાં સમગ્ર સપ્તાહ દરમિયાન અસ્થિરતા જોવા મળી. ક્રૂડ ઓઈલના ભાવમાં મર્યાદિત વધારો નોંધાયો. ઔદ્યોગિક ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું.સોનામાં સુરક્ષિત રોકાણ માગના કારણે મજબૂતી જોવા મળી, જ્યારે ચાંદીમાં ભારે વધઘટ જોવા મળી. ભાવિ દિશા :- ટૂંકા ગાળામાં ભારતીય શેરબજાર અસ્થિરતા સાથે તેજી તરફી રહી શકે છે. મહત્વપૂર્ણ આધાર સ્તરો ઉપર બજાર ટકેલું રહે તો આગામી સપ્તાહોમાં વધુ ઊંચા સ્તરો જોવા મળી શકે છે.બેંકિંગ, નાણાકીય સેવાઓ અને માળખાગત વિકાસ ક્ષેત્ર બજારને આગળ ધપાવનારા મુખ્ય ક્ષેત્ર બની શકે છે. જોકે વૈશ્વિક અસ્થિરતા, ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી નાણાં પ્રવાહમાં નબળાઈ બજાર માટે જોખમરૂપ બની શકે છે. રોકાણકારોએ આક્રમક ખરીદી કરતાં પસંદગીયુક્ત અને તબક્કાવાર રોકાણની વ્યૂહરચના અપનાવવી વધુ યોગ્ય રહેશે. સમગ્ર સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા વચ્ચે એકંદરે તેજી તરફી વલણ જોવા મળ્યું. સ્થાનિક ખરીદી અને બેંકિંગ ક્ષેત્રની મજબૂતી બજાર માટે મુખ્ય ટેકો બની, જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા અને ઉપરના સ્તરે નફાવસૂલી અસ્થિરતા વધારતી રહી. એકંદરે બજારનું માળખું હાલમાં “અસ્થિરતા વચ્ચે મજબૂત તેજી અને સાવચેત આશાવાદ” દર્શાવે છે. નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24103 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24303 પોઇન્ટના પ્રથમ અને 24474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24008 પોઇન્ટથી 23880 પોઇન્ટ, 23808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો… ભારતી એરટેલ ( 1855 ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1818 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1808 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1873 થી રૂ.1894 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1900 ઉપર તેજી તરફી ધ્યાન…!! જેએસડબલ્યુ સ્ટીલ ( 1232 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્ટીલ અને મેટલ સેક્ટરનો આ સ્ટોક રૂ.1208 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1190 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1247 થી રૂ.1260 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! જિંદાલ સ્ટીલ એન્ડ પાવર ( 1063 ) :- રૂ.1033 નો પ્રથમ તેમજ રૂ.1018 ના બીજા સપોર્ટથી સ્ટીલ અને પાવર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1078 થી રૂ.1090 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! ટાટા કેમિકલ્સ ( 758 ) :- સ્પેશિયાલિટી કેમિકલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.730 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.717 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.773 થી રૂ.787 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.795 ઉપર તેજી તરફી ધ્યાન…!! બ્લુ જેટ હેલ્થકેર ( 530 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર સેક્ટરનો આ સ્ટોક રૂ.505 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.488 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.548 થી રૂ.560 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! આધાર હાઉસિંગ ફાઇનાન્સ ( 518 ) :- રૂ.494 નો પ્રથમ તેમજ રૂ.480 ના બીજા સપોર્ટથી હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.538 થી રૂ.550 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!