માત્ર 14 વર્ષની ઉંમરે બુર્જ ખલીફામાં ઓફિસ!:10મું પાસ કરી અભ્યાસ છોડ્યો, AI માર્કેટિંગ સ્ટાર્ટ-અપ શરૂ કર્યું; જૈનમ જૈનની જોરદાર જર્ની

Last Updated: July 3, 2026By

“Age is just a number” આ કહેવત આપણે ઘણી વાર સાંભળીએ છીએ, પરંતુ તેને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે ભારતીય મૂળના 14 વર્ષીય કિશોર જૈનમ ધીરજ જૈને. જે ઉંમરે સામાન્ય રીતે બાળકો શાળાના મિત્રો સાથે મસ્તી કરતા હોય અને ભવિષ્યના સપના જોવાની શરૂઆત કરતા હોય, તે ઉંમરે જૈનમ પોતાના સપનાઓને વાસ્તવિકતામાં જીવી રહ્યો છે. માત્ર 13 વર્ષની નાની ઉંમરે 10મું બોર્ડ પાસ કરી, અભ્યાસને થોડો વિરામ આપી તેણે એક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સ્ટાર્ટ-અપ શરૂ કર્યું. આજે 14 વર્ષની ઉંમરે દુનિયાની સૌથી ઊંચી ઈમારત ‘બુર્જ ખલીફા’ના 141મા માળે તેની લક્ઝરી ઓફિસ આવેલી છે. હસતાં-રમતાં યૂટ્યુબ વીડિયો બનાવવાથી શરૂ થયેલી સફર આજે એક બિઝનેસમેન સુધી પહોંચી છે. દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જૈનમે તેના વિઝન, પારિવારિક સપોર્ટ અને બિઝનેસના સિક્રેટ્સ વિશે ખુલ્લીને વાત કરી. ટ્રેનિંગ ‘બુલેટ ટ્રેન’ જેવી: સફળતા પાછળનું સાચું રહસ્ય ઘણા લોકોને લાગે છે કે જૈનમ બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે, પરંતુ જૈનમ આ બાબતને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. તે કહે છે- “મને બાળપણથી જ આગળ વધવા માટે યોગ્ય વાતાવરણ મળ્યું છે. મારા માતા-પિતાએ મને સતત પુશ કર્યો છે. નાનપણથી જ હું પિતા સાથે મિટિંગ્સમાં જતો અને અલગ-અલગ ટાસ્ક સોલ્વ કરતા શીખતો. માત્ર 6 વર્ષની ઉંમરે મેં પહેલી બિઝનેસ મિટિંગ અટેન્ડ કરી હતી. એટલે હું બુલેટ ટ્રેનની સ્પીડે દોડી રહ્યો છું એવું નથી, મારો ઉછેર જ એ રીતે થયો છે.” ‘બુર્જ ખલીફાવાળો છોકરો’ અને તેના જીવનના 4 પિલર્સ સોશિયલ મીડિયા અને બિઝનેસ જગતમાં જૈનમ ‘14 વર્ષનો બુર્જ ખલિફાવાળો છોકરો’ તરીકે જાણીતો છે, પરંતુ તેની ઓળખ માત્ર આટલી જ નથી. જૈનમ એક સારો બાસ્કેટબોલ પ્લેયર અને એક્ટિવ સામાજિક કાર્યકર્તા પણ છે. તે પોતાના જીવનને સંતુલિત રાખવા માટે કારના ચાર ટાયરની જેમ ચાર પિલર્સ પર કામ કરે છે: જ્યારે તે ધાર્મિક મેળાવડા કે સ્પોર્ટ્સ ક્લાસમાં જાય છે ત્યારે એક સામાન્ય બાળકની જેમ વર્તે છે, પરંતુ જ્યારે બિઝનેસની વાત આવે ત્યારે તે પૂરો પ્રોફેશનલ બની જાય છે. એટલે કે, ‘જેવા સાથે તેવા’ થઈને વાત કરવાની અદભુત કળા તે ધરાવે છે. બુર્જ ખલીફામાં ઓફિસ અને તેના નિયમો દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત જગ્યાએ ઓફિસ રાખવા પાછળનું કારણ જણાવતા જૈનમ કહે છે કે, બિઝનેસમાં ઘણીવાર લોકો તમારી ‘જગ્યા’ જોઈને મળવા આવે છે. જ્યારે તમે કોઈને ‘બુર્જ ખલીફા’માં ઓફિસ હોવાનું કહો, ત્યારે વાતમાં વજન પડે છે અને એક મજબૂત પોઝિટિવ ઇમ્પ્રેશન ઊભી થાય છે. કાયદાકીય નિયમો વિશે: UAE (દુબઈ) ના નિયમો મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ કંપનીની 100% માલિકી કે ઓફિસ એક્સેસ કાર્ડ સીધું મેળવી શકતી નથી. તેથી ટેકનિકલી આ કંપની તેના પિતાના નામે રજિસ્ટર્ડ છે અને જૈનમ તેમાં મુખ્ય સ્ટેક હોલ્ડર અને તમામ કામકાજ સંભાળે છે. યૂટ્યુબ સફરથી મળી મોટી શીખ: ‘નિરંતરતા’ જૈનમની આ સફરની શરૂઆત તેની નાની બહેન સાથે યૂટ્યુબ પર સાયન્સ પ્રોજેક્ટ્સ અને ફની વીડિયો બનાવવાથી થઈ હતી. જૈનમ કહે છે- “યૂટ્યુબમાંથી મને જીવનનો સૌથી મોટો પાઠ મળ્યો – નિરંતરતા (Consistency). અમે શરૂઆતમાં અઠવાડિયે 1-2 વીડિયો મુકતા, પછી 3 કર્યા અને ધીમે-ધીમે રોજનો એક વીડિયો ફરજિયાત મૂકવાનું નક્કી કર્યું. આ કન્સિસ્ટન્સીને કારણે ચેનલ ઝડપથી ગ્રો થઈ અને એક વર્ષમાં કમાણી પણ શરૂ થઈ ગઈ. નાના-નાના સ્ટેપ્સથી જ મોટી સફળતા મળે છે.” અનોખો પરિવાર: બધાનો પોતાનો અલગ બિઝનેસ! જૈનમનો પરિવાર બિઝનેસ માઇન્ડસેટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પરિવારના ચારેય સભ્યો ઉદ્યોગસાહસિક છે: 13 વર્ષની ઉંમરે સ્કૂલ છોડવાનું જોખમ કેમ લીધું? ઘણાને આ નિર્ણય જોખમી લાગે, પણ જૈનમનું ગણિત એકદમ ક્લિયર હતું. રોજ શાળાના 8-10 કલાક અને ઘરે આવીને હોમવર્ક/પ્રોજેક્ટ્સની વચ્ચે બિઝનેસ પર ફોકસ કરવું અશક્ય હતું. તેથી, કેમ્બ્રિજ બોર્ડ પાસેથી એડવાન્સ એક્ઝામની મંજૂરી મેળવી. જૈનમે માત્ર 45 દિવસની તૈયારી સાથે 10મા બોર્ડની પરીક્ષા પાસ કરી લીધી. તે પોતાની ઉંમરના અન્ય વિદ્યાર્થીઓ કરતાં 3 વર્ષ એડવાન્સ ચાલી રહ્યો છે, એટલે તેને ભણવાનું કોઈ ટેન્શન નથી. જો બિઝનેસમાં કંઈ ઉતાર-ચઢાવ આવશે તો પણ તેની પાસે નવું શરૂ કરવાનો પૂરતો સમય છે. ગેમ-ચેન્જર સાબિત થઈ ‘50 ડે ચેલેન્જ’ જૈનમના જીવનમાં શિસ્ત અને નવું શીખવાની પ્રક્રિયા વર્ષ 2020થી શરૂ થઈ, જ્યારે તેણે દર વર્ષે ‘50 ડે ચેલેન્જ’ લેવાનું શરૂ કર્યું: પ્રોફેશનલ કોર્સ વગર AI કંપનીની સ્થાપના! સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જૈનમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો કોઈ ઓફિશિયલ કોર્સ નથી કર્યો. તે સેલ્ફ-લર્નિંગ (જાતે શીખવું) માં માને છે. તેણે આ બધું યૂટ્યુબ અને ChatGPT કે Gemini જેવા AI ટૂલ્સની મદદથી શીખ્યું છે. તેની AI પ્રોડક્ટ શું કામ કરે છે? તેની કંપની સામાન્ય ચેટબોટ નથી, પરંતુ બિઝનેસ માર્કેટિંગનું ઓલ-ઇન-વન સોલ્યુશન છે. એક જ ક્લિક પર કંપનીના બ્લોગ્સ, ન્યૂઝલેટર્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ તૈયાર થઈ જાય છે. જે માર્કેટિંગ કામ માટે 10 અલગ-અલગ માણસોની જરૂર પડતી હતી, તે આ પ્રોડક્ટની મદદથી માત્ર 1 માણસ કરી શકે છે. AI માં સૌથી મોટી સમસ્યા ‘પ્રોમ્પ્ટિંગ’ની હોય છે, પણ જૈનમની પ્રોડક્ટ એવી છે જેને માત્ર એક જ વાર બિઝનેસ સમજાવવો પડે છે, પછી તે આપમેળે બધું સમજી જાય છે. આ આખો આઈડિયા જૈનમનો હતો, જેને તેણે આઉટસોર્સિંગ દ્વારા ડેવલપ કરાવ્યો છે. સક્સેસનો ‘સ્ટેપિંગ સ્ટોન’: ફેલિયર જૈનમ ખૂબ જ સહજતાથી સ્વીકારે છે કે તેની શરૂઆત નિષ્ફળતાથી થઈ હતી. ચાર વર્ષ પહેલાં એક લગ્ન પ્રસંગમાં સ્ટેજ પર બોલતી વખતે તે દર બે શબ્દે અટકતો હતો. પબ્લિક સ્પીકિંગની એ નિષ્ફળતામાંથી શીખીને જ તેણે આજે આ મુકામ હાંસલ કર્યો છે. ભારતીય શિક્ષણ પ્રણાલી વિશે દ્રષ્ટિકોણ દુબઈમાં ઉછર્યા હોવા છતાં જૈનમ ભારતની એજ્યુકેશન સિસ્ટમને ચઢિયાતી ગણે છે. તેનું માનવું છે કે ભારતની શિક્ષણ પ્રણાલીમાં ‘સંસ્કાર અને ઉછેર’ વણાયેલા છે, જે વિદેશમાં જોવા નથી મળતા. જોકે, તે એમ પણ ઉમેરે છે કે ભારતે વિદેશની કેટલીક આધુનિક અને પ્રેક્ટિકલ બાબતો સ્વીકારીને હજુ પણ સુધારા કરવા જોઈએ. નાની ઉંમરે અશક્યને શક્ય કરી બતાવનાર જૈનમ જૈનની આ સફર આજે દેશ અને દુનિયાના લાખો યુવાનો માટે એક આદર્શ ઉદાહરણ બની ચૂકી છે.