શમાર સ્પ્રિંગર વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ ટીમમાં સામેલ:કીમો પોલ અંગત કારણોસર બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર, 22 ઓક્ટોબરથી શરૂ થશે પ્રવાસ
વેસ્ટ ઇન્ડીઝે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે શમાર સ્પ્રિંગરને ટીમમાં સામેલ કર્યો છે. તેણે કીમો પોલનું સ્થાન લીધું છે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ (CWI)એ રવિવારે જણાવ્યું કે પોલ અંગત અને પારિવારિક કારણોસર સ્વદેશ પરત ફરશે. સ્પ્રિંગરે હજુ સુધી ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી. વેસ્ટ ઇન્ડીઝનો બાંગ્લાદેશ પ્રવાસ 22 ઓક્ટોબરથી ઢાકામાં ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી મીરપુરમાં રમાશે. રોસ્ટન ચેઝ કેપ્ટન અને જોમેલ વોરિકન ઉપ-કપ્તાન છે. સ્પ્રિંગરે 3 વન-ડે અને 12 T-20I મેચ રમી છે 28 વર્ષીય શામર સ્પ્રિંગર વેસ્ટ ઇન્ડીઝ માટે ત્રણ વન-ડે અને 12 T20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. અત્યાર સુધી ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યા છતાં તે ટેસ્ટ મેચ રમી શક્યો નથી. સ્પ્રિંગરે 23 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 1,043 રન બનાવ્યા છે. તેની બેટિંગ સરેરાશ 32.59 છે. તેણે 27.87ની સરેરાશથી 58 વિકેટ પણ લીધી છે. તેણે 2026 વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયનશિપમાં બાર્બાડોસ માટે સારી બેટિંગ કરી હતી. 4 મેચમાં તેણે 50.20ની સરેરાશથી 251 રન બનાવ્યા. જોકે, બોલિંગમાં તેનું પ્રદર્શન સામાન્ય રહ્યું. તે આઠ ઇનિંગ્સમાં 42.00ની સરેરાશથી માત્ર 7 વિકેટ જ લઈ શક્યો છે. બે ખેલાડીઓ ઈજાના કારણે રેસમાંથી બહાર CWIએ જણાવ્યું કે ઓજાય શીલ્ડ્સ અને નાઈલ સ્મિથને પૉલના સંભવિત વિકલ્પો તરીકે જોવામાં આવ્યા હતા. ઈજાને કારણે બંનેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં વ્હાઇટ બોલના ફોર્મમાં ચાલી રહેલા કેપ્ટન શાઈ હોપ પણ નહીં હોય. બાંગ્લાદેશ પ્રવાસ માટે તેને આરામ આપવામાં આવ્યો છે. ઝડપી બોલર અલ્ઝારી જોસેફને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ટીમમાંથી બહાર કર્યો છે. પૉલને શરૂઆતમાં જોસેફના સ્થાને ટીમમાં સામેલ કર્યો હતો. ભારત પ્રવાસ બાદ ટીમ બાંગ્લાદેશ પહોંચશે શમાર સ્પ્રિંગર અને કીમો પૉલ બંને ભારત સામેના વેસ્ટ ઇન્ડીઝના વ્હાઇટ બોલના પ્રવાસનો ભાગ હતા. શનિવારે બેંગલુરુમાં છેલ્લી T20 મેચ રદ થયા બાદ આ પ્રવાસ પૂર્ણ થયો. વેસ્ટ ઇન્ડીઝ ત્રણ મેચની વન-ડે સિરીઝ 1-2થી હારી ગયું હતું. ત્યારબાદ પાંચ મેચની T20 સિરીઝ 2-2થી ડ્રો રહી હતી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


