લક્ઝરી તિજોરીઓમાં ધન છુપાવી રહ્યા છે ધનકુબેરો:બંકર જેવી સુરક્ષા, બાયોમેટ્રિકથી એન્ટ્રી; 500 ટન સોનું અને 10 હજાર ટન ચાંદી રાખવાની ક્ષમતા
એવી આલીશાન જગ્યા, જ્યાં ચારે બાજુ અત્યાધુનિક સુરક્ષાનો અભેદ્ય ઘેરો છે. તમારી બાજુમાં કરોડો રૂપિયાના હીરા, સોનાની લગડીઓ અને કિંમતી પેઇન્ટિંગ્સ રાખેલાં છે. સામે રૂફટોપ ગાર્ડન છે અને તમે દુનિયાના સૌથી મોંઘા શેફના હાથે તૈયાર ભોજનનો આનંદ લઈ રહ્યા છો. આ કોઈ ફિલ્મી દ્રશ્ય નથી, પરંતુ 2026ની હકીકત છે. દુનિયાના અલ્ટ્રા-રિચ લોકો માટે બેંકના જૂના અને સાધારણ લોકર હવે ભૂતકાળ બની ચૂક્યા છે. તેમની જગ્યા અત્યાધુનિક ‘પ્રાઇવેટ વોલ્ટ્સ’એ લીધી છે. આ ફક્ત કિંમતી સંપત્તિની સુરક્ષા પૂરતા મર્યાદિત નથી, પરંતુ ભવ્ય સુવિધાઓથી સજ્જ એવા ખાનગી મ્યુઝિયમ બની ગયા છે, જે ધનિકોની જીવનશૈલીનું પ્રતીક છે. આ બદલાવનું સૌથી રસપ્રદ ઉદાહરણ સિંગાપોરના ચાંગી એરપોર્ટ પાસે આવેલું ‘ધ રિઝર્વ’ છે. 18 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી આ અભેદ્ય તિજોરીમાં ધનિકો માટે 40 સીટવાળો ભવ્ય ‘ઓનિક્સ રૂમ’ બનાવવામાં આવ્યો છે. આની સાથે સુંદર રૂફટોપ ગાર્ડન પણ છે. સિલ્વર બુલિયન ગ્રુપ’ના સીઈઓ ગ્રેગર ગ્રેગરસન મુજબ, આ વોલ્ટને સુરક્ષા સાથે પ્રીમિયમ અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. મહેમાનો પાંચમા માળના વ્યુઇંગ પ્લેટફોર્મ પરથી તિજોરીમાં પોતાનું સોનું-ચાંદી જોતા-જોતા ભોજન કરે છે. અહીં 500 ટન સોનું અને 10 હજાર ટન ચાંદી રાખવાની ક્ષમતા છે. લંડનના મેફેયર અને પાર્ક લેન વિસ્તારો પણ પાછળ નથી. ‘આઈબીવી ઇન્ટરનેશનલ વોલ્ટ્સ’ વીઆઈપી ગ્રાહકોને અનોખો અનુભવ આપે છે. કિંમતી સામાન રાખવા આવનારાઓ માટે ખાનગી ડ્રાઇવરવાળી લક્ઝરી કાર સેવા અને પ્રખ્યાત ડોર્ચેસ્ટર હોટલમાં ખાસ ‘આફ્ટરનૂન ટી’ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. સુરક્ષાના મામલે આ જગ્યા બંકરથી ઓછી નથી. આઈબીવી ગોલ્ડના મેનેજિંગ ડિરેક્ટર સીન હોએ મુજબ, અહીં લગાવેલા ખાસ કાચ AK-47ની ગોળીઓનો પણ સામનો કરી શકે છે. વિશ્વભરમાં નવા ઠેકાણાં ઉભરી રહ્યા છે ટ્રેન્ડ ફોરકાસ્ટિંગ ફર્મ ‘ફ્યુચર લેબોરેટરી’ના કો-ફાઉન્ડર ક્રિસ્ટોફર સેન્ડરસન કહે છે કે, લંડન એકલું આ ઉદ્યોગનું પરંપરાગત કેન્દ્ર નથી. જિનીવાના ફ્રીપોર્ટમાં લગભગ 9.5 લાખ કરોડની કલાકૃતિઓ સુરક્ષિત રાખવામાં આવી છે, જ્યારે દુબઈ ઝડપથી બંકર-ગ્રેડ તિજોરીઓનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે. હોંગકોંગ અને મિલાન પણ લક્ઝરી જીવનશૈલી અને મજબૂત નાણાકીય માળખાને કારણે ધનકુબેરોને આકર્ષિત કરી રહ્યા છે. પ્રવાસીઓ શોર્ટ ટર્મ માટે ભાડે લઈ રહ્યા છે ખાનગી વોલ્ટ્સ યુરોપની ઇન્ટરનેશનલ ટેક્સ ઓબ્ઝર્વેટરી મુજબ, 15 વર્ષ પહેલાં દુનિયાના અબજોપતિઓની કુલ સંપત્તિ 427 લાખ કરોડ રૂપિયા હતી, જે હવે વધીને લગભગ 1889 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ વિશાળ સંપત્તિ સાથે સુરક્ષિત સ્ટોરેજની માંગ પણ ઝડપથી વધી છે. લંડનની જાણીતી ‘હેટન ગાર્ડન’ લૂંટ અને ઘણી પરંપરાગત બેંકો દ્વારા લોકર સેવાઓ બંધ કરવામાં આવ્યા પછી અમીર લોકો ખાનગી વોલ્ટ્સ તરફ વળી રહ્યા છે. બીજી તરફ, લંડન અને યુરોપના અન્ય મોટા શહેરોમાં લક્ઝરી ઘડિયાળોની લૂંટફાટ વધી છે. ગુનેગારો તેમને ‘અંડરવર્લ્ડ કરન્સી’ની જેમ ઉપયોગ કરે છે, તેથી પ્રવાસીઓ અને સ્થાનિક ધનાઢ્ય વર્ગ અલ્પકાલિક લોકર (શોર્ટ ટર્મ માટે) ભાડે લેવા લાગ્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

