વિશ્વ કપ મેચ પછી ફોકલેન્ડ પર ફરી ટકરાયા આર્જેન્ટિના-બ્રિટન:બ્રિટિશ યુદ્ધ જહાજના દરિયાઈ વિસ્તારમાં ઘૂસવાનો આરોપ; ખેલાડીઓના બેનરથી વિવાદ વધ્યો
ફિફા વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યાના થોડા કલાકો પછી, આર્જેન્ટિના અને બ્રિટન વચ્ચે ફોકલેન્ડ ટાપુને લઈને નવો વિવાદ શરૂ થયો. આર્જેન્ટિનાએ આરોપ લગાવ્યો કે બ્રિટનની રોયલ નેવીનું યુદ્ધ જહાજ HMS મેડવે તેની દરિયાઈ સીમામાં પરવાનગી વગર ઘૂસી ગયું.
આર્જેન્ટિનાએ તેને સૈન્ય ઘૂસણખોરી ગણાવી. વિદેશ મંત્રી પાબ્લો ક્વિર્નોએ કહ્યું કે આ મામલે બ્રિટિશ દૂતાવાસ સમક્ષ ઔપચારિક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જ્યારે બ્રિટને આ આરોપને નકારી કાઢતા કહ્યું કે યાત્રાની જાણકારી પહેલાથી જ આર્જેન્ટિના સરકારને આપી દેવામાં આવી હતી અને તે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર હતી. આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યા પછી આર્જેન્ટિનાના ખેલાડીઓએ મેદાન પર ‘લાસ માલ્વિનાસ સન આર્જેન્ટિના’ (માલ્વિનાસ આર્જેન્ટિનાનું છે) લખેલું બેનર લહેરાવ્યું. આર્જેન્ટિનામાં ફોકલેન્ડને માલ્વિનાસ કહેવામાં આવે છે. આ ઘટના પછી બંને દેશોનો જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો. આર્જેન્ટિનાના ઉપરાષ્ટ્રપતિએ ઇંગ્લેન્ડને દરિયાઈ લૂંટારા કહ્યા મેચ પહેલાં આર્જેન્ટિનાના ઉપરાષ્ટ્રપતિ વિક્ટોરિયા વિયારુએલે ઇંગ્લેન્ડને આક્રમણકારી અને કબજો કરનારા દરિયાઈ લૂંટારા સુધી કહ્યા હતા. મેચ જીત્યા પછી તેમણે ખેલાડીઓની તસવીર શેર કરતા લખ્યું, “ફોકલેન્ડ આર્જેન્ટિનાનું છે. અમને સ્ટેડિયમમાં આ બેનર લઈ જવાથી રોકવામાં આવ્યા, પરંતુ તેઓ ભૂલી ગયા કે માલ્વિનાસ અમારા લોહી અને અમારા હૃદયમાં વસે છે.” બ્રિટને નારાજગી વ્યક્ત કરી, કહ્યું- રમતમાં રાજકારણ ન હોવું જોઈએ આ તરફ, બ્રિટનના બિઝનેસ સેક્રેટરી પીટર કાઈલે ખેલાડીઓના બેનરને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવ્યું. તેમણે કહ્યું કે ફૂટબોલમાં રાજકારણ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ અને ફીફાએ તપાસ કરવી જોઈએ કે ક્યાંક ખેલાડીઓએ રાજકીય સંદેશ આપવા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન તો નથી કર્યું. તેમણે કહ્યું, “રાજકારણને ફૂટબોલથી દૂર રાખવું જોઈએ. આગળ શું કાર્યવાહી થશે, તેનો નિર્ણય હવે ફીફા કરશે.” ફોકલેન્ડને લઈને આર્જેન્ટિના અને બ્રિટન વચ્ચે 44 વર્ષથી વિવાદ ફોકલેન્ડ ટાપુનો મામલો બ્રિટન અને આર્જેન્ટિના બંને માટે ઘણો મોટો મુદ્દો છે. બંને દેશો તેના પર દાવો કરે છે. આર્જેન્ટિના આ ટાપુને માલ્વિનાસ કહે છે. ફોકલેન્ડ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત છે અને આર્જેન્ટિનાથી માત્ર 500 કિમી દૂર છે. જ્યારે બ્રિટનથી તે 13,000 કિમી દૂર સ્થિત છે. આર્જેન્ટિના ઐતિહાસિક રીતે આ ટાપુને પોતાનો ગણાવતો આવ્યો છે. આર્જેન્ટિનાનું કહેવું છે કે આ ટાપુઓ તેની પાસે હોવા જોઈએ, કારણ કે તે તેના વિસ્તારની નજીક છે. જ્યારે બ્રિટન કહે છે કે ત્યાં રહેતા લોકો પોતાને બ્રિટિશ માને છે અને તેમણે વોટ કરીને પણ બ્રિટન સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેથી તે તેનો વિસ્તાર છે. 1982માં આર્જેન્ટિનાએ આ ટાપુઓ પર કબજો કરી લીધો હતો, ત્યારબાદ બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન માર્ગારેટ થેચરે સેના મોકલીને માત્ર 10 અઠવાડિયામાં તેમને પાછા મેળવ્યા હતા. આર્જેન્ટિનાએ આત્મસમર્પણ કર્યુ એ પહેલા લગભગ 650 આર્જેન્ટિનાના સૈનિકો અને 255 બ્રિટિશ સૈનિકો માર્યા ગયા હતા. ફોકલેન્ડ પર બ્રિટનનું વલણ શું છે બ્રિટને પુનરોચ્ચાર કર્યો કે ફોકલેન્ડ ટાપુના લોકોએ ઘણી વખત જનમત દ્વારા બ્રિટિશ ક્ષેત્ર બની રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું- બ્રિટનનું વલણ એકદમ સ્પષ્ટ છે. ફોકલેન્ડ ટાપુના લોકો બ્રિટિશ છે અને તેમના ભવિષ્યનો નિર્ણય કરવાનો અધિકાર તેમની પાસે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

