ટી-20 વર્લ્ડકપ-બાંગ્લાદેશ ભારતમાં રમશે કે નહીં, 21મીએ નિર્ણય:જો બાંગ્લાદેશે ઇનકાર કર્યો તો રેન્કિંગના આધારે સ્કોટલેન્ડને તક મળી શકે

Last Updated: January 19, 2026By

ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને 21 જાન્યુઆરી સુધીમાં સ્પષ્ટ કરવા જણાવ્યું છે કે તે 2026 ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં અને શું તેની ટીમ ભારતમાં આવીને મેચ રમશે. ESPN ક્રિકઇન્ફો અનુસાર, ICC એ શનિવારે (17 જાન્યુઆરી) ઢાકામાં યોજાયેલી બેઠકમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને આ સમયમર્યાદા જણાવી દીધી છે. એક અઠવાડિયામાં ICC અને BCB વચ્ચે આ બીજી બેઠક હતી. આમાં BCB એ સ્પષ્ટ કર્યું કે તે ટી-20 વર્લ્ડ કપ રમવા માગે છે, પરંતુ ભારતની બહાર. BCB નું કહેવું છે કે ભારતમાં રમવાને લઈને ટીમની સુરક્ષા અંગે ચિંતા છે. BCB એ સૂચન કર્યું કે ટુર્નામેન્ટના સહ-યજમાન શ્રીલંકામાં તેમની મેચો યોજવામાં આવે. જોકે, ICC તેના નિર્ણય પર અડગ છે. ICC એ સ્પષ્ટ કહ્યું છે કે ટુર્નામેન્ટનું શેડ્યૂલ બદલવામાં આવશે નહીં અને બાંગ્લાદેશને ગ્રુપ C માં જ રમવું પડશે. જો બાંગ્લાદેશે ઇનકાર કર્યો તો વિકલ્પ તૈયાર મીડિયા રિપોર્ટ અનુસાર, હવે ICC અંતિમ નિર્ણય BCB પર છોડી રહી છે. જો BCB ટીમ ને ભારત મોકલવાનો ઇનકાર કરે છે, તો ICC બાંગ્લાદેશની જગ્યાએ કોઈ અન્ય ટીમને સામેલ કરી શકે છે. વર્તમાન રેન્કિંગના આધારે સ્કોટલેન્ડને તક મળવાની સંભાવના સૌથી વધુ છે. ગ્રુપ બદલવાની માગ પણ ફગાવી દેવાઈ 17 જાન્યુઆરીની બેઠકમાં BCB એ ગ્રુપ બદલવાની માગ કરી હતી, જેને ICC એ નકારી કાઢી હતી. ICC એ BCB ને એ પણ ખાતરી આપી કે બાંગ્લાદેશ ટીમને કોઈ ખાસ સુરક્ષા ખતરો નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICCને કહ્યું હતું કે તેને ગ્રુપ-Cને બદલે બીજા ગ્રુપ-Bમાં સામેલ કરવામાં આવે. બોર્ડનો તર્ક હતો કે આમ થવાથી બાંગ્લાદેશને તેની બધી મેચો શ્રીલંકામાં રમવી પડશે, જેનાથી મુસાફરી અને સુરક્ષા સંબંધિત મુશ્કેલીઓ ઓછી થશે. વર્તમાન શેડ્યૂલ મુજબ, આયર્લેન્ડને તેની ગ્રુપ-બી મેચો શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ઓમાન સામે કોલંબોમાં રમવાની છે, જ્યારે તેમની છેલ્લી મેચ કેન્ડીમાં ઝિમ્બાબ્વે સામે હશે. બીજી તરફ, બાંગ્લાદેશને તેના વર્તમાન ગ્રુપ-સીમાં વેસ્ટ ઇન્ડિઝ, ઇટાલી અને ઇંગ્લેન્ડ સામે કોલકાતામાં ત્રણ મેચ રમવાની છે, જ્યારે છેલ્લી ગ્રુપ મેચ મુંબઈમાં નેપાળ સામે નક્કી છે. મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવા પર વિવાદ બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાને કારણે BCCIએ મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી આપી નથી. તેમને KKR દ્વારા 3 જાન્યુઆરીએ BCCIના કહેવા પર ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. આનાથી ગુસ્સે ભરાયેલી બાંગ્લાદેશ સરકારે પોતાના દેશમાં IPL મેચોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો. આ પછી ખેલાડીઓની સુરક્ષાનો હવાલો આપીને 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપમાં સ્થળ બદલવાની માગ પણ કરી. 7 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશની પ્રથમ મેચ ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને ગ્રુપ-સીમાં રાખવામાં આવ્યું છે. ટીમ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ, 9 ફેબ્રુઆરીએ ઈટાલી અને 14 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટકરાવાની છે. ત્રણેય મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાવાની છે. જ્યારે ટીમનો છેલ્લો ગ્રુપ સ્ટેજ મેચ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે થવાનો છે. KKRએ મુસ્તફિઝુરને ₹9.2 કરોડમાં ખરીદ્યો હતો, પછી IPL માં રમવા પર વિવાદ 16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે ભારતમાં મુસ્તફિઝુરનો વિરોધ થવા લાગ્યો. અત્યાર સુધીમાં ત્યાં 7 હિંદુઓની હત્યા કરી દેવામાં આવી છે. પછીથી BCCI એ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી ન આપી અને 3 જાન્યુઆરીએ KKR એ તેમને રિલીઝ કરી દીધા.