Noel Tata Steps Down as Trent Chairman

Last Updated: June 26, 2026By

મુંબઈ2 દિવસ પેહલા

  • કૉપી લિંક

નોએલ ટાટાએ મંગળવારે, એટલે કે 23 જૂને કંપનીની 74મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં શેરધારકોને સંબોધન કરતા કહ્યું, જેમ કે તમે જાણતા હશો, ચેરમેન તરીકે આ મારી છેલ્લી વાર્ષિક સામાન્ય સભા હશે.

વેસ્ટસાઇડ અને જુડિયો જેવા મોટા ફેશન બ્રાન્ડ્સનું સંચાલન કરતી ટાટા જૂથની કંપની ‘ટ્રેન્ટ’ના ચેરમેન પદેથી નોએલ ટાટાનું હટવું એક મોટો નિર્ણય છે. તેમના નેતૃત્વ હેઠળ કંપની બેંગલુરુના એક સિંગલ સ્ટોરથી વધીને આજે ભારતની અગ્રણી ફેશન અને લાઇફસ્ટાઇલ દિગ્ગજ બની ચૂકી છે.

નવેમ્બરમાં 70 વર્ષના થશે નોએલ ટાટા

નોએલ ટાટા (69) આ વર્ષે નવેમ્બરમાં 70 વર્ષના થવા જઈ રહ્યા છે. તેઓ ટાટા સન્સના સૌથી મોટા શેરધારક ‘ટાટા ટ્રસ્ટ્સ’ના પણ ચેરમેન છે. કંપની એક્ટ 2013ના નિયમો મુજબ, કોઈપણ મેનેજિંગ ડિરેક્ટર અથવા હોલ-ટાઇમ ડિરેક્ટરને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના થવા પર પદ પર ચાલુ રહેવા અથવા ફરીથી નિયુક્ત થવાની મંજૂરી નથી.

જોકે, શેરહોલ્ડર્સની મંજૂરીથી સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરીને અથવા કેન્દ્ર સરકારની મંજુરીથી જ આ નિયમમાં અપવાદ તરીકે કોઈ છૂટ મળી શકે છે.

શેરહોલ્ડર્સ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો

ટાટાએ વર્ષોથી મળી રહેલા સહયોગ માટે શેરહોલ્ડર્સ, કર્મચારીઓ અને પાર્ટનર્સનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે હું આટલા વર્ષોમાં મળેલા વિશ્વાસ, ભરોસા અને સહયોગ માટે મારા તમામ શેરહોલ્ડર્સ, સાથીઓ અને પાર્ટનર્સનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું.

નાણાકીય વર્ષ 2026માં ₹20,074 કરોડની આવક રહી

નોએલ ટાટાની ચેરમેનશીપ હેઠળ ટ્રેન્ટે ભારતીય બજારમાં પોતાની મજબૂત પકડ બનાવી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026 (FY26) માં 79 નવા શહેરોમાં એન્ટ્રી કરી અને 289 નવા સ્ટોર્સ ઉમેર્યા. આ સાથે, કંપનીના કુલ સ્ટોર્સની સંખ્યા વધીને 321 શહેરોમાં 1,286 થઈ ગઈ, જે 12 કરોડથી વધુ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડી રહ્યા છે. કન્સોલિડેટેડ ધોરણે, કંપનીની કુલ આવક ₹20,074 કરોડ રહી અને ટેક્સ પહેલાનો નફો ₹2,259 કરોડ નોંધાયો.

ટ્રેન્ટની સફર: 1998 થી 2026

  • 1998: બેંગલુરુમાં પહેલો વેસ્ટસાઇડ સ્ટોર.
  • 2010: નોએલ ટાટા ડિરેક્ટર તરીકે જોડાયા.
  • 2014: નોએલ ટાટાએ ચેરમેન પદ સંભાળ્યું.
  • 2026: 321 શહેરોમાં 1286 સ્ટોર્સ, ₹20,074 કરોડની આવક

માતા સિમોન ટાટાએ ટ્રેન્ટની શરૂઆત કરી હતી

નોએલ ટાટા 19 ઓગસ્ટ 2010ના રોજ ટ્રેન્ટના બોર્ડમાં ડિરેક્ટર તરીકે જોડાયા હતા. આ કંપનીની શરૂઆત તેમના દિવંગત માતા સિમોન ટાટાએ કોસ્મેટિક બ્રાન્ડ ‘લક્મે’ના બિઝનેસને FMCG દિગ્ગજ હિન્દુસ્તાન યુનિલિવરને વેચ્યા પછી કરી હતી.

ત્યારબાદ, 31 માર્ચ 2014ના રોજ એફકે કાવરનાની નિવૃત્તિ પછી નોએલ ટાટાએ ટ્રેન્ટના ચેરમેન પદ સંભાળ્યું હતું. ટ્રેન્ટ ઉપરાંત તેઓ વોલ્ટાસ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડ જેવી અન્ય ઘણી ટાટા કંપનીઓના બોર્ડના પણ ચેરમેન છે.

બેંગલુરુના એક સ્ટોરથી શરૂ થઈ હતી સફર

કંપનીની સફરને યાદ કરતા ટાટાએ કહ્યું કે ટ્રેન્ટે 1998માં બેંગલુરુના કોમર્શિયલ સ્ટ્રીટ પર એક સિંગલ ‘વેસ્ટસાઇડ’ સ્ટોરથી શરૂઆત કરી હતી. આજે ટ્રેન્ટ પાસે વેસ્ટસાઇડ, જુડિયો, સામોહ, ઉત્સવ અને બર્ન્ટ ટોસ્ટ જેવા મજબૂત બ્રાન્ડ્સનું નેટવર્ક છે. આ ઉપરાંત કંપની સ્પેનના ઇન્ડિટેક્સ ગ્રુપ સાથે મળીને ગ્લોબલ ફેશન બ્રાન્ડ ઝારા અને માસિમો દુત્તીના સ્ટોર્સ પણ ચલાવે છે.

કંપનીને 10 ગણી મોટી બનાવવાનું લક્ષ્ય જલ્દી પૂરું થશે

નોએલ ટાટાએ ભવિષ્યને લઈને વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં ઓર્ગેનાઈઝ્ડ રિટેલ માટે હજુ પણ મોટી તકો છે, જેનું કારણ લોકોની વધતી આવક અને બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પ્રત્યેની પસંદગી છે. તેમણે 2023માં શેરહોલ્ડર્સ સમક્ષ ટ્રેન્ટના રેવન્યુને 10 ગણું વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ત્યારથી અત્યાર સુધી કંપનીનું રેવન્યુ અને પ્રોફિટેબિલિટી રન રેટ 2.5 ગણાથી વધુ વધી ચૂક્યું છે. આનાથી તેમને વિશ્વાસ છે કે આ લક્ષ્ય જલ્દી જ પુરુ કરવામાં આવશે. તેઓ ભારતીય બ્રાન્ડ્સને ગ્લોબલ લેવલ પર પણ લઈ જવાની મોટી ક્ષમતા જુએ છે.