Sanjay Kapoor Divorce Documents; Supreme Court Orders Karishma Kapoor
11 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની 30 હજાર કરોડની સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદે ફરી એકવાર નવો વળાંક લીધો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કરિશ્મા કપૂરને નોટિસ ફટકારી છે.
કરિશ્મા કપૂરને છૂટાછેડાના દસ્તાવેજો જાહેર કરવા આદેશ
આ નોટિસ સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જારી કરવામાં આવી છે, જેમાં કરિશ્મા અને સંજય કપૂરના છૂટાછેડા સંબંધિત દસ્તાવેજોની પ્રમાણિત નકલો માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર કરિશ્મા કપૂરને બે અઠવાડિયાની અંદર જવાબ આપવા જણાવ્યું છે.

સંજય અને કરિશ્માએ 29 સપ્ટેમ્બર 2003ના રોજ લગ્ન કર્યાં હતાં.
આ કેસની સુનાવણી ન્યાયમૂર્તિ એ.એસ. ચંદુરકરે તેમના ચેમ્બરમાં કરી હતી. પ્રિયા સચદેવે કોર્ટને વિનંતી કરી છે કે, તેમને વર્ષ 2016માં કરિશ્મા અને સંજય કપૂર વચ્ચે થયેલા છૂટાછેડા સંબંધિત તમામ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવે.
પ્રિયા સચદેવે છૂટાછેડાના દસ્તાવેજોની માંગ કરી
પ્રિયાનું કહેવું છે કે સંજય કપૂરના નિધન બાદ તે તેની કાયદેસરની વારસદાર છે અને સંજયની સંપત્તિ સંબંધિત કાયદાકીય બાબતોમાં તેને સીધો રસ છે.
તેણે દલીલ કરી છે કે છૂટાછેડાના દસ્તાવેજો દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ વારસાઈ (સક્સેશન) કેસમાં સત્તાવાર ઉપયોગ માટે જરૂરી છે. આ દસ્તાવેજો દ્વારા તે તે સમયે થયેલા આર્થિક કરાર અને બાળકોની કસ્ટડી સંબંધિત તથ્યોની પુષ્ટિ કરવા માંગે છે.

પ્રિયા સચદેવ સંજય કપૂરની ત્રીજી પત્ની છે.
સંજય કપૂર પર ઘરેલું હિંસાના આરોપ લાગ્યા હતા
નોંધનીય છે કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂરના છૂટાછેડા ઘણા વિવાદોથી ભરેલા રહ્યા હતા. છૂટાછેડા દરમિયાન કરિશ્માએ સંજય પર ઘરેલું હિંસાના આરોપો લગાવ્યા હતા અને તેના માટે તેની કથિત નશાની લતને જવાબદાર ઠેરવી હતી. જોકે, લાંબી કાયદાકીય લડાઈ બાદ બંનેએ પરસ્પર સહમતિથી 2016માં છૂટાછેડા લીધા હતા.
ત્યારબાદ કરિશ્માએ સંજય વિરુદ્ધ નોંધાવેલો ઘરેલુ હિંસાનો કેસ પાછો ખેંચી લીધો હતો. તે જ સમયે સુપ્રીમ કોર્ટે કરિશ્મા દ્વારા નોંધાવેલો દહેજ ઉત્પીડનનો કેસ પણ રદ કરી દીધો હતો, કારણ કે એક્ટ્રેસે તેના માટે પોતાની સંમતિ આપી હતી.

કરિશ્મા અને સંજયે 2016માં છૂટાછેડા લીધાં હતાં.
સંજય કપૂરની સંપત્તિને લઈને કાનૂની જંગ
હાલમાં, સંજય કપૂરની સંપત્તિને લઈને તેમની પૂર્વ પત્ની કરિશ્મા કપૂરના બે બાળકો સમાયરા અને કિયાન અને ત્રીજી પત્ની પ્રિયા સચદેવ વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે.
સમાયરા અને કિયાન દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે પ્રિયા દ્વારા રજૂ કરાયેલું વસિયતનામું નકલી અને મનઘડંત છે, જેને તેમને પિતાની સંપત્તિમાંથી બહાર રાખવાના ઈરાદાથી તૈયાર કરવામાં આવ્યું છે. આ મામલે બંને પક્ષોએ કોર્ટમાં એકબીજા પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.

સંજય કપૂરને બીજી પત્ની કરિશ્માથી બે બાળકો, સમાયરા અને કિયાન છે, જ્યારે ત્રીજી પત્ની પ્રિયાથી એક દીકરો છે.
નોંધનીય છે કે, સંજય કપૂર ઓટો પાર્ટ્સ બનાવતી કંપની સોના કોમસ્ટારના ચેરમેન હતા. તેમનું નિધન વર્ષ 2025ના જૂન મહિનામાં લંડનમાં પોલો રમતી વખતે થયું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

