USA Student Visa Update: New Duration Limits for F-1 and J-1 Visas

Last Updated: July 17, 2026By

અમેરિકાના Department of Homeland Security (DHS)એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની લગભગ 48 વર્ષ જૂની “Duration of Status” વ્યવસ્થાનો અંત લાવતો અંતિમ નિયમ જાહેર કર્યો છે. આ નિર્ણયથી F-1 સ્ટુડન્ટ વિઝા, J-1 Exchange Visa અને I-Visa ધરાવતા વિદેશી નાગરિકો

.

નવો નિયમ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થયાના 60 દિવસ બાદ અમલમાં આવશે. DHSના જણાવ્યા પ્રમાણે, આ ફેરફારનો મુખ્ય હેતુ સ્ટુડન્ટ વિઝાના દુરુપયોગને રોકવો, વિદેશી વિદ્યાર્થીઓની નિયમિત ચકાસણી કરવી અને અમેરિકામાં લાંબા સમય સુધી રહેતા લોકો પર વધુ અસરકારક દેખરેખ રાખવાનો છે.

1978થી ચાલતી વ્યવસ્થામાં મોટો ફેરફાર

1978થી અમેરિકામાં F-1 વિઝા પર આવતા વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ અંતિમ તારીખ સુધી રહેવાની મંજૂરી આપવાને બદલે “Duration of Status” એટલે કે D/S હેઠળ પ્રવેશ આપવામાં આવતો હતો. તેનો અર્થ એવો હતો કે વિદ્યાર્થી પોતાનો પૂર્ણકાલીન અભ્યાસ ચાલુ રાખે, જરૂરી શરતોનું પાલન કરે અને માન્ય Student Status જાળવે ત્યાં સુધી તે અમેરિકામાં રહી શકતો હતો. જો અભ્યાસ પૂર્ણ કરવામાં વધુ સમય લાગે તો કોલેજ અથવા યુનિવર્સિટી સુધારેલું Form I-20 આપી શકતી હતી. સામાન્ય રીતે વિદ્યાર્થીએ દરેક વખતે USCIS સમક્ષ અલગથી Extension of Stay માટે અરજી કરવાની જરૂર પડતી નહોતી.

આજના સમયમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે સહિતના ઘણા દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને immigration policyમાં વારંવાર—ક્યારેક લગભગ દર મહિને—ફેરફારો જોવા મળે છે. તેની સરખામણીમાં અમેરિકાએ ઉતાવળમાં નીતિ બદલવાને બદલે 1978થી અમલમાં રહેલી 48 વર્ષ જૂની વ્યવસ્થામાં હવે મૂળભૂત ફેરફાર કર્યો છે. આ બાબત દર્શાવે છે કે અમેરિકન સરકારે લાંબા સમયથી જોવા મળતા દુરુપયોગ, વહીવટી ખામીઓ અને સુરક્ષા સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

નવા નિયમ હેઠળ શું બદલાશે?

નવા નિયમ મુજબ F-1 વિદ્યાર્થીઓ અને J-1 Exchange Visitorsને તેમના ચોક્કસ અભ્યાસક્રમ અથવા કાર્યક્રમની મુદત માટે અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે. જોકે, પ્રારંભિક મંજૂર રોકાણ સામાન્ય રીતે મહત્તમ ચાર વર્ષ સુધી મર્યાદિત રહેશે. જો કોઈ વિદ્યાર્થીનો અભ્યાસક્રમ, PhD, સંશોધન અથવા અન્ય શૈક્ષણિક કાર્યક્રમ ચાર વર્ષ કરતાં વધુ સમયનો હોય, તો તેને USCIS સમક્ષ Extension of Stay માટે ઔપચારિક અરજી કરવી પડશે. આ અરજીની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીની બાયોમેટ્રિક ચકાસણી, પૃષ્ઠભૂમિ તપાસ, સુરક્ષા તપાસ અને સંભવિત છેતરપિંડી સંબંધિત ચકાસણી કરવામાં આવી શકે છે.

નવા નિયમના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે:

  • F-1 અને J-1 વિઝાધારકોને કાર્યક્રમની મુદત માટે, પરંતુ સામાન્ય રીતે મહત્તમ ચાર વર્ષ સુધી રહેવાની મંજૂરી મળશે.
  • ચાર વર્ષ કરતાં વધુ સમય માટે અમેરિકામાં રહેવું હોય તો USCIS સમક્ષ Extension of Stay માટે અરજી કરવી પડશે.
  • F-1 વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછી અમેરિકા છોડવા, કાયદેસર રીતે સ્ટેટસ બદલવા અથવા અન્ય જરૂરી કાર્યવાહી કરવા માટે મળતો 60 દિવસનો સમય ઘટાડીને 30 દિવસ કરવામાં આવશે.
  • Undergraduate વિદ્યાર્થીઓ પ્રથમ શૈક્ષણિક વર્ષ દરમિયાન સામાન્ય રીતે કોલેજ, યુનિવર્સિટી કે મુખ્ય અભ્યાસવિષય બદલી શકશે નહીં.
  • Graduate levelના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ, શૈક્ષણિક હેતુ અથવા સંસ્થા બદલવાના નિયમો વધુ કડક રહેશે.
  • એક અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી માત્ર અમેરિકામાં રોકાણ લંબાવવા માટે સમાન કે તેનાથી નીચલા શૈક્ષણિક સ્તરનો બીજો અભ્યાસક્રમ પસંદ કરવાના પ્રયાસો પર નિયંત્રણ આવશે.
  • નવો નિયમ અમલમાં આવે ત્યારે અમેરિકામાં રહેલા વિદ્યાર્થીઓને પણ ધીમે ધીમે નિર્ધારિત સમયમર્યાદાવાળી વ્યવસ્થામાં લાવવામાં આવશે.
  • આ ફેરફારોને કારણે માત્ર કોલેજ અથવા યુનિવર્સિટી દ્વારા I-20ની તારીખ આગળ વધારવાથી વિદ્યાર્થી લાંબા સમય સુધી અમેરિકામાં રહી શકશે નહીં. નિર્ધારિત સમય કરતાં વધુ રોકાવા માટે હવે સીધી ફેડરલ મંજૂરી જરૂરી બનશે.

સારી યુનિવર્સિટીમાં એડમિશન લઈને પછી સસ્તી અને નબળી સંસ્થામાં ટ્રાન્સફર

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેટલાક વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે શરૂઆતમાં સારી પ્રતિષ્ઠા ધરાવતી અને ઊંચું રેકિંગ ધરાવતી યુનિવર્સિટીમાં એડમિશન લેતા હોવાનું જોવા મળ્યું છે.

સારી યુનિવર્સિટીમાં એડમિશન અને મજબૂત એકેડમિક પ્રોફાઈલને કારણે તેમનો સ્ટુડન્ટ વિઝા મંજૂર થવાની શક્યતા વધી જતી હતી. પરંતુ અમેરિકા પહોંચ્યા પછી કેટલાક વિદ્યાર્થીઓ ઓછી ફી ધરાવતી, ઓછી ગુણવત્તાવાળી અથવા નબળી પ્રતિષ્ઠા ધરાવતી કોલેજ કે યુનિવર્સિટીમાં ટ્રાન્સફર થઈ જતા હતા.

આવા કિસ્સાઓમાં ઘણી વખત મુખ્ય હેતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો રહેતો નહોતો. કેટલાક વિદ્યાર્થીઓની પ્રાથમિકતા વધુ કામ કરીને પૈસા કમાવવાની, ઓછામાં ઓછી ફી ચૂકવીને સ્ટુડન્ટ સ્ટેટસ જાળવવાની, લાંબા સમય સુધી અમેરિકામાં રહેવાની અથવા કોઈ અન્ય ઇમિગ્રેશન પાથ-વે શોધવાની રહેતી હતી.

નવા નિયમ હેઠળ પ્રથમ શૈક્ષણિક વર્ષ દરમિયાન ટ્રાન્સફર પર નિયંત્રણ, Graduate વિદ્યાર્થીઓ માટે વધુ કડક program-change rules અને સમય લંબાવવા માટે USCISની સીધી મંજૂરીને કારણે આવી રીતનો દુરુપયોગ મોટા પ્રમાણમાં અટકશે. માત્ર ઓછા ટ્યુટેન્શનના આધારે વારંવાર સંસ્થા કે અભ્યાસક્રમ બદલતા અને અભ્યાસના નામે અમેરિકામાં રોકાણ લંબાવતા વિદ્યાર્થીઓ માટે હવે સિસ્ટમનો ઉપયોગ કરવો ઘણો મુશ્કેલ બનશે.

ગુજરાત અને તેલંગાણાના કયા વિદ્યાર્થીઓને વધુ અસર થશે?

મારા વ્યાવસાયિક અનુભવ અને લાંબા સમયના અવલોકનના આધારે, ભારતમાંથી—ખાસ કરીને ગુજરાત અને તેલંગાણા જેવા રાજ્યોમાંથી—જે લોકો સ્ટુડન્ટ વિઝાને માત્ર અમેરિકામાં પ્રવેશ મેળવવાના માર્ગ તરીકે ઉપયોગ કરે છે, તેઓને આ નિયમોની સૌથી વધુ અસર થવાની શક્યતા છે.

જે વિદ્યાર્થીઓનો વાસ્તવિક હેતુ અભ્યાસ કરતાં વધુ કમાણી કરવાનો, અમેરિકા પહોંચ્યા પછી તરત જ સસ્તી સંસ્થામાં ટ્રાન્સફર થવાનો, માત્ર Student Status જાળવવાનો અથવા અન્ય કોઈ હેતુથી અમેરિકામાં રહેવાનો હોય, તેમના માટે હવે આગળનો માર્ગ મુશ્કેલ બનશે.

અહીં સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ગુજરાત કે તેલંગાણાના તમામ વિદ્યાર્થીઓ અંગે કોઈ સામાન્ય તારણ કાઢવું યોગ્ય નથી. આ બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રતિભાશાળી, મહેનતુ અને અભ્યાસ પ્રત્યે સંપૂર્ણપણે ગંભીર વિદ્યાર્થીઓ અમેરિકા જાય છે અને સફળતાપૂર્વક પોતાનું શિક્ષણ પૂર્ણ કરે છે.

આ નિયમનો પ્રભાવ કોઈ ચોક્કસ રાજ્યના આધારે નહીં, પરંતુ વિદ્યાર્થીના વાસ્તવિક હેતુ અને તેના વર્તનના આધારે પડશે. તેમ છતાં, જે લોકો સ્ટુડન્ટ વિઝાના માર્ગનો ઉપયોગ અભ્યાસ સિવાયના હેતુ માટે કરે છે તેઓ આ ફેરફારથી સૌથી વધુ પ્રભાવિત થશે.

જેન્યુન વિદ્યાર્થીઓને ગભરાવાની જરૂર નથી

જે વિદ્યાર્થીઓનો સાચો હેતુ ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મેળવવાનો છે, જેમણે પોતાની એકેડમિક પ્રોફાઇલને અનુરૂપ અભ્યાસક્રમ અને યુનિવર્સિટી પસંદ કરી છે અને જેઓ નિયમિત રીતે અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે, તેમને આ ફેરફારથી તુલનાત્મક રીતે બહુ ઓછી અસર થશે.

PhD, research અથવા ચાર વર્ષ કરતાં વધુ સમય લેતા સાચા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓએ Extension of Stayની વધારાની પ્રક્રિયા કરવી પડી શકે છે. તેથી તેમના માટે દસ્તાવેજી પ્રક્રિયા અને વહીવટી જવાબદારી વધી શકે છે. પરંતુ યોગ્ય academic progress, માન્ય દસ્તાવેજો અને વધુ સમયની વાજબી જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ચાલુ રાખવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો નથી.

આગામી સમયમાં વિદ્યાર્થીઓએ માત્ર સ્ટુડન્ટ વિઝા મેળવવાની સરળતાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પસંદ કરવાને બદલે નીચેની બાબતોનો ગંભીરતાથી વિચાર કરવો પડશે:

  • યુનિવર્સિટી અને અભ્યાસક્રમની ગુણવત્તા
  • અભ્યાસક્રમનો સમયગાળો
  • કુલ tuition fees અને રહેવાનો ખર્ચ
  • પોતાની આર્થિક ક્ષમતા
  • અભ્યાસક્રમનું career outcome
  • પોતાના લાંબા ગાળાના શૈક્ષણિક અને વ્યાવસાયિક હેતુઓ

અભ્યાસનો સાચો હેતુ હશે તો અમેરિકા હજુ પણ સારો વિકલ્પ

મારા મતે, આ નિયમ Genuine વિદ્યાર્થીઓને અમેરિકા આવતા રોકવા માટે બનાવવામાં આવ્યો નથી. તેનો મુખ્ય હેતુ અભ્યાસના નામે અમેરિકામાં પ્રવેશ મેળવીને પછી પોતાના મૂળ શૈક્ષણિક હેતુથી દૂર જતા લોકો પર નિયંત્રણ મૂકવાનો છે.

જે વિદ્યાર્થીઓ શરૂઆતથી જ પારદર્શક છે, યોગ્ય સંસ્થા પસંદ કરે છે, પૂરતી આર્થિક તૈયારી ધરાવે છે અને અભ્યાસ પ્રત્યે ગંભીર છે, તેમણે ગભરાવાની જરૂર નથી.

પરંતુ સ્ટુડન્ટ વિઝાને માત્ર અમેરિકામાં પ્રવેશ મેળવવા, પૈસા કમાવવા અથવા લાંબા સમય સુધી ત્યાં રહેવાના સરળ રસ્તા તરીકે જોતા લોકો માટે હવે નિયમો ચોક્કસપણે વધુ કડક બનશે. અમેરિકાનો સ્પષ્ટ સંદેશ છે—સ્ટુડન્ટ વિઝાનો મુખ્ય અને પ્રાથમિક હેતુ અભ્યાસ જ હોવો જોઈએ.

(લેખક: પાર્થેશ ઠક્કર, ઇમિગ્રેશન અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ નિષ્ણાત)

Leave A Comment